ચાપરગોટામાં એક સપ્તાહમાં બે દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો

બોડેલી નજીકના ચાપરગોટા ગામમાં એક અઠવાડિયામાં બે દીપડા પાંજરે પુરાયા છે. આ ઘટનાથી ગ્રામજનો અને બોડેલી વન વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો છે. છેલ્લા કેટલાક સમયથી ચાપરગોટા વિસ્તારમાં દીપડાની અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આથી વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.

વન વિભાગની સઘન કામગીરીના ભાગ‚પે, ચાર દિવસ અગાઉ એક દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ આજે વધુ એક દીપડો પાંજરામાં સપડાયો હતો. આજે પાંજરે પુરાયેલો દીપડો આશરે અઢી વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. એક જ અઠવાડિયામાં બે દીપડા પકડાતા ગ્રામજનોનો ભય ઓછો થયો છે.

જોકે, વિસ્તારમાં હજુ પણ અન્ય દીપડાઓ હોવાની લોકચર્ચા છે. જેને પગલે વન વિભાગ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.