
કવાંટ નગરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજીત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ થયો છે. ૨૫ ઓગસ્ટના રોજ આ નિમિત્તે સંસ્કૃત ગૌરવયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું.
સમગ્ર ગુજરાતમાં ૨૫ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. કવાંટ તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં આ યાત્રામાં ભાગ લીધો હતો. તેઓએ હાથમાં સંસ્કૃત સુભાષિતો, શ્લોકો અને “અમૃતમ સંસ્કૃતમ મિત્રમ” ના નારા લખેલા પ્લેકાર્ડ ધારણ કર્યા હતા. નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ રેલીમાં બાળકોએ સંસ્કૃત શ્લોકોચ્ચાર અને ગીતા પઠન કર્યું હતું.
આ પ્રસંગે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે માજી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, તાલુકા શિક્ષણ અધિકારી, કવાંટ નગરના આગેવાનો, શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્કૃતને માત્ર એક ભાષા નહીં, પરંતુ સંસ્કૃતિ, સંસ્કાર અને જ્ઞાન-વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ (ગઊઙ ૨૦૨૦) અંતર્ગત સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે ‘યોજના પંચકમ’ જેવી પાંચ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન) ના દિવસે વિશ્ર્વ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૮ ઓગસ્ટે સંસ્કૃત દિવસ છે, જેના પૂર્વે ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે.