
૫૦ કિલો બળેલા તેલનો નાશ કરાયો, બે જગ્યાએથી નમુના લીધા, રૂપિયા ૨૫૦૦/-દંડ પેટે વસુલાયા.
પ્રાંત અધિકારી દાહોદ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટર પિંકલ નગરાલાવાલા તથા તેમના સ્ટાફના માણસો દ્વારા આજે પણ તપાસ ઝુંબેશ ચાલુ રાખી હતી અને શહેરના બહારપુરા, સરદાર ચોક પડાવ રોડ વગેરે વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ તેમજ સ્વીટ ના નમૂના લેવામાં આવ્યા હતા, ફરસાણ દુકાનો મળી ૮ જેટલી ખાણીપીણીની જગ્યાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બળેલા તેલ ના જથ્થાના નાશ કરવામાં આવ્યો હતો તેમજ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા શહેરના ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. હોટલથી મંગાવેલ ભોજનની ડીશ ખાધા બાદ પરિવારની એક બાળકીનું ફૂડ પોઈઝનિંગના લીધે મૃત્યુ થયાની સુરતમાં ઘટેલી દુ:ખદ ઘટના બાદ એક્શન માં આવેલ રાજ્ય સરકારના કડક આદેશના પગલે ગત શુક્રવારના રોજ પ્રાંત અધિકારી દાહોદની આગેવાનીમાં દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી તથા તેમની ટીમ દ્વારા શહેરના સ્ટેશન રોડ તેમજ ગોદી રોડ પર હોટલ રેસ્ટોરન્ટ સ્વીટ અને ફરસાણની દુકાનો તેમજ ખાણી પીણીની લારીઓ મળી ૧૨ થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરી નમુના લેવામાં આવ્યા હતા. તેમજ વાંધાજનક ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યાર પછી બે દિવસના વિરામ બાદ દાહોદ પ્રાંત અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી પિંકલ નગરાલાવાલા તથા તેમના સ્ટાફના માણસોની ટીમે આજે શહેરના બહારપુરા, પડાવ રોડ તેમજ સરદાર ચોકમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં જલારામ ફરસાણ, માતિનંદન દાલબાટી, જૈન ફરસાણ માર્ટ, ભવાની નમકીન એન્ડ સ્વીટસ, નાથ સ્વીટ્સ એન્ડ ફરસાણ, ઓમકારેશ્ર્વર રેસ્ટોરન્ટ, ખંડેલવાલ રેસ્ટોરન્ટ તેમજ કૈલાશ રેસ્ટોરન્ટ જેવી ખાણીપીણીની જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૫૦ કિલોગ્રામ જેટલું બળેલું તેલ પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બે જગ્યાએ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્યવસ્તુના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ પિયા ૨,૫૦૦/-દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા. આ તપાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેવું ફૂડ ઈન્સ્પેક્ટર પિંકલ નગરાલાવાલા દ્વારા જણાવવામાં આવતા ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.