પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં સાદી રેતીનું ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરતા બે ડમ્પરને સર્કલ ઓફિસર દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અર્થે કાલોલ સર્કલ ઓફિસની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કાલોલ દ્વારા તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ ખાણ અને ખનીજ વિભાગ, પંચમહાલ (ગોધરા) ના ભૂસ્તરશાસ્ત્રીને આ અંગે રિપોર્ટ મોકલી નિયમોનુસાર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
પ્રથમ બનાવ: વેજલપુર નાયરા પેટ્રોલપંપ રોડ પરથી ડમ્પર ઝડપાયું તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સર્કલ ઓફિસરશ્રી કાલોલની ફેરણી દરમિયાન વેજલપુર નાયરા પેટ્રોલપંપ રોડ ઉપર સાદી રેતી ભરીને જતું વાહન નંબર GJ-07-TW-0077 ઊભું રખાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું.વાહન ચાલક સાબરમિયાં પેરુમિયાં રહે. મહુધા, તા. મહુધા, જિ. ખેડા પાસે રોયલ્ટી પાસની માંગણી કરતાં રોયલ્ટી પાસ અને કાંટા પાવતી રજૂ કરાઈ હતી.
રોજકામ/નિવેદન મુજબ ૨૩.૧૦૦ મેટ્રિક ટનનો ઈ-રોયલ્ટી પાસ રજૂ કરાયો હતો, પરંતુ તપાસ અને વજન દરમિયાન તેમાં ૬.૩૦ મે.ટન સાદી રેતી ઓવરલોડ/અનધિકૃત રીતે વહન થતી હોવાનું જણાયું હતું.
બીજો બનાવ: હોટલ માધવ ગ્રીન્સ પાસે રોડ પરથી ડમ્પર પકડાયુંતા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ જ સર્કલ ઓફિસરની ફેરણી દરમિયાન હોટલ માધવ ગ્રીન્સ, હિંમતપુરા ગામે રોડ ઉપર સાદી રેતી ભરીને જતું વાહન નંબર GJ-17-XX-7216 ઊભું રખાવી તપાસ હાથ ધરાઈ હતી.વાહન ચાલક પરમાર વિક્રમભાઈ રતનાભાઈ રહે. નવા રીછરોટા, તા. ગોધરા, જિ. પંચમહાલ પાસે રોયલ્ટી પાસ અને કાંટા પાવતી રજૂ કરાઈ હતી.નિવેદન મુજબ ૨૩.૨૦૦ મેટ્રિક ટનનો ઈ-રોયલ્ટી પાસ રજૂ કરાયો હતો, જોકે વજન/તપાસમાં તેમાં ૩.૪૦ મે.ટન સાદી રેતી ઓવરલોડ/અનધિકૃત રીતે વહન થતી હોવાનું સામે આવ્યું હતું.
બંને ડમ્પરમાં ક્ષતિયુક્ત/ઓવરલોડ જથ્થા સાથે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન થતું હોવાથી બંને વાહનોને સ.ઓ. કાલોલની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. આ મામલે ચાલકોના નિવેદન સહિતના દસ્તાવેજો સામેલ રાખી ખાણ અને ખનીજ વિભાગ, ગોધરાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરાઈ છે.