હાલોલ નગરપાલિકામાં ₹૧૩.૪૦ લાખની નાણાકીય ઉચાપત: ફરતી લારીની ફી ઉઘરાવનાર કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ.

​ચીફ ઓફિસરની નોટિસ બાદ પણ સંતોષકારક ખુલાસો ન કરતા કર્મચારીને ફરજમુક્ત કરાયો.

​૭૮૦ રસીદ બુકમાંથી ૬૭૦ બુકના નાણાં હિસાબી શાખામાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા.

હાલોલ નગરપાલિકામાં ફરતી લારી-પાથરણાની ફી ઉઘરાવવાની કામગીરી સોંપાયેલા કર્મચારી દ્વારા અંદાજે ₹૧૩,૪૦,૦૦૦/- ની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે નગરપાલિકાના કચેરી અધિક્ષક પ્રવિણભાઈ પૂજાભાઈ પારેખે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​પોલીસ ફરિયાદની વિગતો મુજબ, હાલોલના સતી તલાવડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ વેલજીભાઈ ભરવાડની વર્ષ ૨૦૧૨માં નગરપાલિકાની અગ્નિશામન શાખામાં ડ્રાઈવર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની પાસેથી વધારાની કામગીરી રૂપે હાલોલ વિસ્તારમાં ફરતી લારીઓ અને પાથરણાની દૈનિક ફી ઉઘરાવવાનું કામ લેવામાં આવતું હતું, જેની રોજની અંદાજે ₹૭,૦૦૦/- ની આવક નગરપાલિકાની હિસાબી શાખામાં જમા કરાવવાની થતી હતી.

​તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૨૮/૧૦/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન સ્ટેશનરી ક્લાર્ક મારફતે સુરેશભાઈ ભરવાડને ફી વસૂલાત માટે કુલ ૭૮૦ રસીદ બુક (કુલ ૭૮,૦૦૦ રસીદો) ઈશ્યુ કરવામાં આવી હતી. જે પૈકી એપ્રિલ-૨૦૨૬ ના માસની રસીદોના ₹૧,૬૮,૦૦૦/- તેમણે જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૨૮/૧૦/૨૦૨૬ સુધીની ૬૭૦ રસીદ બુકની કુલ ૬૭,૦૦૦ રસીદોના અંદાજે ₹૧૩,૪૦,૦૦૦/- નગરપાલિકાની હિસાબી શાખામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં લઈ સરકારી નાણાંની ઉચાપત અને વિશ્વાસઘાત કર્યો હતો.

​આ નાણાકીય ગેરરીતિ ધ્યાને આવતા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સુરેશભાઈ ભરવાડને નોટિસ પાઠવી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. જોકે, તેમના તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરના લેખિત હુકમના આધારે કચેરી અધિક્ષક પ્રવિણભાઈ પારેખે રસીદ બુક સ્ટોક રજીસ્ટર અને નિમણૂકના પુરાવાઓ સાથે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.