ઝાલોદમાં ભંગારના ગોડાઉનના આગકાંડ બાદ નગરપાલિકા એક્શન મોડમાં

-રહેણાંક વિસ્તારોમાંથી ભંગારની દુકાનો હટાવવા ૨૦ જેટલા વેપારીઓને નોટિસ, આગની ઘટનામાં રહેણાંક મકાનોને થયેલા નુકસાન બાદ સુરક્ષાને લઈ તંત્ર ગંભીર.

ઝાલોદ નગરમાં બે દિવસ અગાઉ પોલીસ સ્ટેશન નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બાદ હવે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. આગની ઘટનામાં આસપાસના રહેણાંક વિસ્તારમાં આવેલા બે જેટલા મકાનોની દિવાલો તેમજ લાઇટની લાઈનો સહિતની મિલકતોને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે રહેણાંક વિસ્તારોમાં ચાલતા ભંગારના ધંધાને લઈને નગરપાલિકાની કામગીરી સામે આવી છે.

આગની ઘટનામાં નુકસાન ભોગવનારા રહેવાસીઓને થયેલી નુકસાનીની ભરપાઈ કોણ કરશે અને આ નુકસાન માટે જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ભંગારનો જથ્થો સંગ્રહિત કરવામાં આવતો હોવાથી ભવિષ્યમાં આવી આગની ઘટના બને તો આસપાસના લોકોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝાલોદ નગરપાલિકા દ્વારા અંદાજે ૨૦ જેટલા ભંગારના વેપારીઓને નોટિસ પાઠવી છે. નોટિસમાં રહેણાંક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર ભંગારનો માલસામાન એકત્ર કરી થપ્પા કરવામાં આવતા હોવાના કારણે રસ્તાઓ સાંકડા બનતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાનું પણ જણાવાયું છે.

નગરપાલિકાની નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાનો અને જથ્થો હોવાના કારણે આકસ્મિક આગ લાગવી, ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવો તેમજ અન્ય દુર્ઘટનાઓનું જોખમ રહે છે. આવી કોઈ મોટી હોનારત ન સર્જાય અને નગરજનોની સલામતી જળવાઈ રહે તે માટે ભંગારની દુકાનો રહેણાંક વિસ્તારોમાંથી બે દિવસમાં દૂર કરવા સૂચના આપવામાં આવી છે.

નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, નિર્ધારિત સમયમર્યાદામાં ભંગારનો સામાન દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા વેપારીના જોખમે ભંગારનો સામાન ખસેડવામાં આવશે. તેમજ તેના કારણે કોઈ પ્રશ્ન કે દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વેપારીની રહેશે.

આગની ઘટના બાદ તંત્રની કાર્યવાહીથી સુરક્ષાની આશા : ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ બાદ આસપાસના રહેણાંક મકાનોને થયેલા નુકસાનને પગલે નગરપાલિકાની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલા વેપારીઓ પાસેથી ભંગારનો જથ્થો ખસેડવામાં આવે છે કે નહીં અને રહેણાંક વિસ્તારોમાં આવા જોખમી ધંધા સામે આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

સાથે જ આગની ઘટનામાં નુકસાન ભોગવનાર પરિવારોને થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર મળે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.