ભલાણીયા ગામના વણકર ફળિયાના દિનેશભાઈ હરખાભાઇ વણકર ગત તા.૨૬ સપ્ટે.-૨૦૨૬ ના રોજ બપોરના સમયે પોતાના ધરે હાજર હતા. તે દરમિયાન તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબરથી વિવાહનુ આમંત્રણ (કંકોત્રી)દર્શાવતી ફાઈલ આવી હતી. તે ફાઈલ ખોલી પરંતુ તેમાં કોઈ વિગત જોવા મળી ન હતી. ત્યારબાદ તા.૨૭ સપ્ટે.ના રોજ તેમણે ગુગલ-પે ચાલુ કરવાનો પ્રયાસ કરતા પાસવર્ડ નાંખવા છતાં પૈસા ટ્રાન્સ્ફર થયા ન હતા. થોડા દિવસો પછી તા.૨ ઓકટો.ના રોજ તેમના મોબાઈલમાંથી વોટ્સએપ એપ્લિકેશન પણ અચાનક ગાયબ થઈ ગઈ હતી. જેથી તેમણે મોબાઈલ રિસેટ કરી દીધો હતો. તા.૬ ઓકટો.ના રોજ જયારે દિનેશભાઈએ ફોન ચાલુ કરી ગુગલ-પે મારફતે બેંક ખાતું તપાસ્યુ ત્યારે તેમની આંખો પહોળી થઈ હતી. તેમના ગુગલ-પે સાથે લીંક કરાયેલા બેંક ખાતાઓમાં ભારે ઉચાપત જોવા મળી હતી. જેમાં દિનેશભાઈનુ બેંક ઓફ બરોડા, ગોધરા વ્હોરવાડ શાખાના ખાતામાંથી, દિનેશભાઈનુ પંજામ નેશનલ બેંક, ગોધરા ચિત્રા સિનેમાં રોડ શાખાના ખાતામાંથી તેમના પત્નિ મંજુલાબેનનુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનુ વેજલપુર શાખાના ખાતામાંથી કુલ રૂ.૮૯,૯૯૫/-કોઈ અજાણ્યા ઈસમે ઓનલાઈન ટ્રાન્સ્ફર કરી લીધા હોવાનુ માલુમ પડયુ હતુ. જેથી દિનેશભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર-૧૯૩૦ પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.