પાર્ટીના પ્રવક્તા આનંદ દુબે શિવસેનાના આંદોલનમાં ભાગ લેવાથી નારાજ હોવાનું કહેવાય છે

પાર્ટીના નેતા અને પ્રવક્તા આનંદ દુબે ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન અને શિવસેના યુબીટીની તેમાં ભાગ લેવાથી નારાજ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આનંદ દુબે માને છે કે આ આંદોલન બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ છે. આ મુદ્દા પર મતભેદ હોવાને કારણે, તેઓ શિવસેના યુબીટી છોડવાનો નિર્ણય લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આનંદ દુબે આજે બપોરે ૨ વાગ્યે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

આ દરમિયાન, તેઓ શિવસેના યુબીટી સભ્યપદ અને પાર્ટી પ્રવક્તા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.નોંધનીય છે કે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ નવનિર્માણ સેના (મનસે)ના અમિત ઠાકરે, સેંકડો સમર્થકો સાથે રવિવારે મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધને સમર્થન આપવા પહોંચ્યા હતા. આ પછી, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રદર્શનકારીઓએ કેટલાક સ્થળોએ ધરણા કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ દરમિયાન સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયા સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે પોલીસે નજીકના સેના ભવનની બહાર શિવસેના (યુબીટી)ના કાર્યકરો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, પર હુમલો કર્યો અને મારપીટ કરી. તેમણે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીની એક મહિલા કાર્યકરની સાડી ફાટી ગઈ હતી. તેમણે કહ્યું, “હું મુંબઈના લોકોને શિવાજી પાર્ક આવવા અપીલ કરું છું. આ વિરોધ હવે અટકશે નહીં. જા તમે વિરોધીઓને સ્પર્શ કરશો, તો દેશદ્રોહી (મુખ્ય ચૂંટણી કમિશનર) જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન વધુ તીવ્ર બનશે.”

દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ,ન્યાયાધીશ સૂર્યકાંત સાથે મુલાકાતની માંગ કરી છે. આજના વિરોધ પ્રદર્શન પહેલા, સીજેઆઇએ મીડિયાને સંબોધન કર્યું. સીજેઆઇ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી, “મને ગઈકાલે મુલાકાત માટે વિનંતી કરતો પત્ર મળ્યો હતો. મેં ગઈકાલે રાત્રે જ તેનો જવાબ આપ્યો હતો, જેમાં હું કેમ મળી શકીશ નહીં તેના કારણો જણાવવામાં આવ્યા હતા.”