કઠાણા ગામે વીજ કરંટ લાગતાં બેનાં મોત, ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે બની ગોઝારી ઘટના

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે વીજ કરંટ લાગવાની ગોઝારી ઘટના સામે આવી છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે ત્રણ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એકસાથે બે લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ખેતરમાં આવેલી પાણીની કુંડી સાફ કરવા માટે લાંબો સળિયો નાખવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સળિયો ઉપરથી પસાર થતી વીજલાઇનને અડી જતાં ત્રણેય લોકોને વીજ કરંટ લાગ્યો હતો. દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.

ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર બનાવ અંગે કઠલાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે આ ગોઝારી ઘટનામાં બે લોકોએ જીવ ગુમવતા પરિવારજનો પર આભ ભાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.