
દાહોદ જિલ્લા મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે તંત્ર સફાળું જાગ્યું!
ગરબાડા અને ધાનપુરમાં રસ્તાના ખાડા પૂરવાની કામગીરી તેજ – મુખ્યમંત્રીના આગમન પહેલાં જ સ્ટેટ હાઈવે ઓથોરિટી હરકતમાં
*ધાનપુર, દાહોદ:
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 18 નવેમ્બરના રોજ ગરબાડા અને ધાનપુર તાલુકાની મુલાકાતે આવવાના હોવાથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ હાઈવે ઓથોરિટી સફાળાં જાગ્યાં છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે દેવગઢ બારીયા–ધાનપુર–લીમખેડા સ્ટેટ હાઈવે સહિતના રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
ધાનપુર તાલુકામાં આ સ્ટેટ હાઈવે પર લાંબા સમયથી અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડેલા હતા. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રસ્તાની ખરાબ હાલત હોવા છતાં અગાઉ સમારકામની કામગીરીમાં જરૂરી ઝડપ જોવા મળી નહોતી.
પરંતુ હવે તા. 18ના રોજ મુખ્યમંત્રીના સંભવિત આગમનને પગલે રસ્તાના ખાડા પૂરવાની કામગીરીમાં અચાનક તેજી આવતાં સ્થાનિકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
સ્થાનિકોમાં સવાલ: મુખ્યમંત્રી આવે ત્યારે જ તંત્રને રસ્તાના ખાડા કેમ દેખાય છે?
લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે સામાન્ય દિવસોમાં પણ તંત્ર દ્વારા આવી જ તત્પરતા દાખવવામાં આવી હોત તો વાહનચાલકોને લાંબા સમયથી ખરાબ રસ્તાઓની હાલાકી ભોગવવી ન પડત.
હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીની મુલાકાત પૂર્ણ થયા બાદ પણ રસ્તાના સમારકામ અને જાળવણીની કામગીરી આ જ ઝડપે ચાલુ રહેશે કે પછી મુલાકાત પૂરી થતાં જ તંત્રની સક્રિયતા પણ ઓછી થઈ જશે.
પ્રજાની માંગ છે કે રસ્તાનું સમારકામ માત્ર મુખ્યમંત્રીના આગમન પૂરતું નહીં, પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે.