એનઓસી મળી નથી તો પણ પહેલાં નોરતે જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થયા ?

ખ્યાતનમામ ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીના ગરબાના આયોજનને લઈને વિવાદ સામે આવ્યો છે. જીગરદાન ગઢવીના આ વખતે અમદાવાદમાં ન્યૂ સાયન્સ સિટી રોડ પર સાચી ગરબા ઈવેન્ટના નામે આયોજન કરાયેલું છે. પરંતુ આ મામલે છડે ચોક નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે.

વાત જાણે એમ છે કે જીગરદાન ગઢવીના ગરબાના આયોજકો પર એનઓસી વગર જ ગરબા યોજવાનો આરોપ લાગ્યો છે. જે એસીડોમમાં ગરબા થવાના હતા તેમાં યોગ્ય નિયમોનું પાલન થવાના કારણે ફાયર વિભાગે એનઓસી આપી નહતીં તેવું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર મુલાકાત લેવાઈ હતી અને ત્યારબાદ કેટલાક સૂચનો અપાયા હતા જેનો અમલ ન થતા મંજૂરી મળી નહતી એવું કહેવું છે. ફાયર વિભાગની મંજૂરી મળી ન હોવા છતાં જીગરદાન ગઢવીના પહેલે નોરતે ગરબા થયા હોવાનું સામે આવતા ખેલૈયાઓના જીવ સાથે આ કેવી રમત? એનઓસી ન મળી હોવા છતાં કેવી રીતે થયા ગરબા એ મોટો સવાલ બન્યો છે.

ફાયર વિભાગ જ્યારે એનઓસી આપે ત્યારબાદ જ પોલીસ ગરબા માટે મંજૂરી આપે છે. હવે આ મામલે એ પણ તપાસનો વિષય બન્યો છે કે ફાયરની નથી મળી તો શું પોલીસે મંજૂરી આપી દીધી? અને જો પોલીસે પણ મંજૂરી નથી આપી તો કઈ રીતે આ ગરબા થયા એ તપાસનો વિષય છે.

સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ એક બાજુ એનઓસી વગર ગરબા થયા અને બીજી બાજુ ફાયર બ્રિગેડને હવે ઉચ્ચ અધિકારીઓ તરફથી એનઓસી આપવા માટે પણ દબાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે આજે પણ ફાયર બ્રિગેડ તરફથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા માટે જવાના છે.

અત્રે જણાવવાનું કે જીગરદાન ગઢવીના ગરબાના આયોજક સાચી ઈવેન્ટ્‌સ છે. ફાયર વિભાગનું સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે ચાર ચાર વાર વિઝિટ કરી અને કાર્યક્રમના સ્થળને લઈને વિવિધ સૂચનો સૂચવ્યા હતા જેને ધ્યાનમાં ન લેવાતા કાર્યક્રમ અંગે મંજૂરી મળી નથી. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે ફાયર એનઓસી વગર ગરબા કઈ રીતે યોજાઈ ગયા. ફાયરની મંજૂરી મળે ત્યારબાદ પોલીસની મંજૂરી મળતી હોય છે. ત્યારે ફાયરે મંજૂરી ન આપી અને પોલીસે મંજૂરી આપી દીધી?

એકબાજુ જ્યાં એસી ડોમ પડી જતા કિર્તીદાન ગઢવીના ગરબાને એનઓસી ન મળી અને ન થયા તો ફાયર એનઓસી વગર જીગરદાન ગઢવીના ગરબા કઈ રીતે થઈ ગયા? એક આયોજક રોકાયા તો બીજાને આવી છૂટ કઈ રીતે મળી એ મોટો સવાલ છે. એનઓસી વગર ગરબા થયાનો આક્ષેપ ગંભીર છે અને તે તપાસનો વિષય બને છે.