પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્ય માહિતી કમિશનર દ્વારા વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓને આપ્યું માર્ગદર્શન

ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તા. ૫ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ઉજવાઈ રહેલા માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિના જીલ્લાના અધિકારીઓને રાજ્ય માહિતી કમિશનર વી.આર. રાવલ દ્વારા વિડીયો કોન્ફરન્સથી માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા રાજ્ય માહિતી કમિશનર વી.આર. રાવલ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર જીલ્લાના અધિકારીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

રાજ્ય માહિતી કમિશનર વી.આર. રાવલે જણાવ્યું હતું કે, અરજદારની માહિતીનો યોગ્ય અભ્યાસ કરીને તેને સમયમર્યાદામાં સંતોષકારક અને સ્પષ્ટ માહિતી પૂરી પાડવી એ જાહેર માહિતી અધિકારીની પ્રાથમિક ફરજ છે.

આ કાર્યક્રમ દરમિયાન પીપીટી પ્રેઝન્ટેશન અને બ્રોડકાસ્ટ વિડીયોના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની વ્યાખ્યા, વિવિધ કલમો, માહિતી કયા સ્વ‚પે અને કેવી રીતે આપવી તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓને આરટીઆઈ સંદર્ભે મુંઝવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ સહિત જીલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.