
અમદાવાદની સેશન્સ કોર્ટ સ્થિત વિશેષ પોક્સો અદાલતે ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૨૩માં રામોલ પોલીસ સ્ટેશનમાં ૧૯ વર્ષીય ક્રિષ્ણા પરમાર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે પીડિત સગીરાને ૪ લાખનું વળતર ચૂકવવા સંબંધિત ઓથોરિટીને આદેશ કર્યો છે. જ્યારે આ જ કેસમાં સહઆરોપી સામે ગુનામાં સંડોવણી સાબિત કરતા પૂરતા પુરાવા ન મળતાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત કેસમાં ૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સગીરાના પિતા અને માતા સગાના ઘરે ગયા હતા. તે સમયે ૧૫ વર્ષીય સગીરા ઘરે એકલી હતી. આ દરમિયાન આરોપી ક્રિષ્ણા પરમાર સગીરાના ઘરની છત પર પહોંચ્યો હતો. આરોપીએ સગીરાના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પોતાની સાથે આવવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. સહઆરોપી સગીરાને મોટરસાઇકલ પર બેસાડીને લઇ ગયો હતો અને ક્રિષ્ણાને સોંપી દીધી હતી. ક્રિષ્ણા ત્યારબાદ સગીરાને અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના ધાબા પર લઇ ગયો હતો, જ્યાં સગીરાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આરોપ હતો. બીજા દિવસે સવારે સગીરાને પાંજરાપોળ વિસ્તાર પાસે છોડી દેવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન વિશેષ પોક્સો કોર્ટ સમક્ષ પીડિતાનું ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૧૬૪ હેઠળ નોંધાયેલું નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેસની સુનાવણી દરમિયાન કૂલ ૧૬ સાહોદોની જુબાની અને ૩૨ પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષે રજૂ કરેલી દલીલો, પીડિતાના નિવેદન અને તબીબી પુરાવાઓ સહિતની સામગ્રીનું મૂલ્યાંકન કર્યા બાદ કોર્ટે મુખ્ય આરોપી ક્રિષ્ના પરમાર સામેનો ગુનો સાબિત માન્યો હતો.
કેસમાં સહઆરોપીની ભૂમિકા અંગે પણ કોર્ટે પુરાવાના આધારે નિર્ણય લીધો હતો. સહઆરોપી સગીરાને મોટરસાઇકલ પર લઇ ગયો હોવાની બાબત સામે આવી હતી, પરંતુ તેની સામે સગીરાને ધમકી આપવા, લાલચ આપીને લઇ જવા, દુષ્કર્મમાં સીધી મદદ કરવા અથવા મુખ્ય આરોપીનો ગુનાહિત ઇરાદો જાણતો હોવા અંગે પૂરતા પુરાવા મળ્યા નહોતા. તેથી કોર્ટે સહઆરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આમ, મુખ્ય આરોપી અને સહઆરોપીની ભૂમિકા અંગે ઉપલબ્ધ પુરાવાના આધારે અદાલતે અલગ-અલગ નિર્ણય આપ્યો હતો.અમદાવાદ સેશન્સ કોર્ટ સ્થિત વિશેષ પોક્સો અદાલતના જજ એચ.એન. દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલો, સાહેદોની જુબાની અને પુરાવાઓને ધ્યાને લઈને મુખ્ય આરોપી ક્રિષ્ના પરમારને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત, પીડિતાને ૪ લાખનું વળતર ચૂકવવા સંબંધિત ઓથોરિટીને આદેશ કર્યો હતો. સજાની સાથે પીડિતાને વળતર આપવાનો આદેશ પણ આ ચુકાદાનો મહત્વપૂર્ણ ભાગ છે.