
લોકલ ક્રાઈમ બ્રાન્ચે કુતિયાણા નજીક નેશનલ હાઈવે પરથી કારમાં બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ચૌટા ચેકપોસ્ટ ખાતેથી પસાર થતી એક ઈન્ડિકા કારની તપાસ કરતા કારમાંથી ૧૩૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા ૨ લાખ ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પોરબંદૃર એલસીબીની ટીમે બાતમીના આધારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ચૌટા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદૃ જણાતી સફેદ રંગની ટાટા ઈન્ડિકા કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની અંદર બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી કંપની શીલપેક વિદૃેશી દારૂની ૧૦૦ બોટલો તેમજ પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલો ૬૦ લીટર દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ૭૬ હજાર ૪૯૫ રૂપિયાનો દારૂ અને ૨ લાખ રૂપિયાની કાર મળી કુલ ૨ લાખ ૭૬ હજાર ૪૯૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે પોરબંદરના ખાપટ વિસ્તારના રહેવાસી માલદે રણમલ ઓડેદરા નામના ૫૨ વર્ષીય શખ્સની અટકાયત કરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.