
ભાવનગરના વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટમાં નવરાત્રિના આયોજન દરમિયાન વિધર્મીઓની હાજરીના મુદ્દે હોબાળો થયો હતો. આ મામલે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ૨૦૦થી વધુ કાર્યકરો નવરાત્રિના આયોજન સ્થળે પહોંચ્યા હતા, જેના પગલે ત્યાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
આ દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકરો અને કાર્યક્રમની સુરક્ષા માટે તહેનાત બાઉન્સરો વચ્ચે ધક્કામુક્કીના દૃશ્યો પણ જાવા મળ્યા હતા. ઘટનાને પગલે રંગોલી રિસોર્ટમાં વાતાવરણ ગરમાયું હતું અને પરિસ્થિતિ તંગ બની હતી. સ્થળ પર સર્જાયેલી તંગદિલી વચ્ચે નવરાત્રિના આયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન હિંદુ સંગઠનોના કાર્યકરો અને આયોજક વચ્ચે શાબ્દિક ગરમાગરમી થઈ હતી. ઘટનાના પગલે સ્થળ પર પોલીસનો કાફલો પણ સક્રિય થયો હતો.
પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન હિંદુ સંગઠનોના ૩૫ જેટલા કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા. નવરાત્રિના આયોજન દરમિયાન સર્જાયેલા આ હોબાળાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.