અમદાવાદમાં ચોમાસા બાદ પણ મચ્છરોનો આતંક યથાવત્, ડેન્ગ્યુના કુલ ૧,૪૮૧ કેસમાંથી ૬૦.૩% કેસ માત્ર ૪૧ દિવસમાં નોંધાયા

ચોમાસું વિદાય લઈ ચૂકયું છે, પરંતુ અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત્ છે. વરસાદ બંધ થયા બાદ પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી નોંધાયેલા ડેન્ગ્યુના કુલ કેસમાંથી લગભગ ૬૦ ટકા કેસ માત્ર છેલ્લા ૪૧ દિવસમાં એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસ દરમિયાન જ નોંધાયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગે જાહેર કરેલા રોગચાળાના સત્તાવાર આંકડા અનુસાર શહેરમાં ૧ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર દરમિયાન ડેન્ગ્યુના ૮૯૩ કેસ નોંધાયા છે.

આ સમયગાળામાં દરરોજ સરેરાશ ૨૧થી વધુ કેસ નોંધાયા છે, તેમાંથી ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસમાં જ ૧૩૭ કેસ સામે આવ્યા છે.આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ ૧,૪૮૧ કેસ નોંધાયા છે, તેમાંથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસના કેસનો હિસ્સો ૬૦.૩ ટકા છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના ૭૫૬ કેસ નોંધાયા હતા.

એએમસીના એક અધિકારીએ જણાવ્યું છે કે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા નાગરિક તંત્રએ પ્રયાસો તેજ કર્યા છે. રહેણાક સોસાયટીઓમાં જાગૃતિ અભિયાન ચલાવવા સાથે વ્યાપારી સંકુલો અને ખાસ કરીને બાંધકામ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. રહેણાક સોસાયટીઓમાં પક્ષીઓ માટે રાખવામાં આવતાં પાણીનાં વાસણોની નિયમિત સફાઈ ન થાય તો તે મચ્છરોના પ્રજનનનાં સ્થળ બની શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેતી હોવાથી કૂલરમાં ભરેલું પાણી પણ નિયમિત બદલવાની અપીલ કરવામાં આવી રહી છે.

એએમસીના અધિકારીએ જણાવ્યું છે કે હાલ શહેરના ગોતા, જગતપુર, ચાંદખેડા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં સૌથી ચિંતાજનક વધારો નોંધાયો છે. વ†ાલ, લાંભા અને નિકોલમાં પણ ડેન્ગ્યુના કેસ સતત નોંધાઈ રહ્યા છે. તાજેતરના વરસાદ બાદ એએમસીએ પાણી ભરાયેલા ૨૦૦થી વધુ ખુલ્લા પ્લોટનું સર્વેક્ષણ કર્યું હતું. ભરાયેલું પાણી દૂર કરવાની અને મચ્છરોના લાર્વાનો નાશ કરવા લાર્વિસાઈડનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ કેસમાં વધુ વધારો અટકાવવા તપાસની કામગીરી પણ સઘન બનાવવામાં આવશે.એએમસીના આંકડા અનુસાર ૧ જાન્યુઆરીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં સાદા મેલેરિયાના ૪૬૮, ફાલ્સીપારમ મેલેરિયાના ૯૨ અને ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા હતા. ચોમાસા દરમિયાન નોંધાયેલા અન્ય રોગોમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસના ૪,૧૮૪, કમળાના ૬૩૪ અને ટાઈફોઈડના ૧,૭૫૮ કેસનો સમાવેશ થાય છે. ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસના ૫૬, કમળાના ૨૩ અને ટાઈફોઈડના ૭૩ કેસ નોંધાયા હતા.આ સમયગાળા દરમિયાન બેક્ટેરિયાની તપાસ માટે પાણીના કુલ ૨,૩૬૮ નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા, તેમાંથી છ નમૂના પીવાના પાણી માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું.