
એએમસીના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા બહેરામપુરા વિસ્તારમાં ટામેટો સોસ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી ૨૦૦૦ કિલોનો શંકાસ્પદ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ‘સ્નેક ટચ અપ’ના નામે વેચવામાં આવતા ટોમેટો કેચઅપના ઉત્પાદન અંગે ગંભીર અનિયમિતતા સામે આવી છે.
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, સોસ બનાવવામાં બટાકાના પાવડર, કલર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફેક્ટરીમાં સ્વચ્છતાના નિયમોનું પણ પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. આ સોસનો ઉપયોગ વેજિટેબલ સેન્ડવિચ સહિતના વિવિધ નાસ્તામાં કરવામાં આવતો હતો અને તેનું વેચાણ અમદાવાદમાં કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે.
આ અંગે એએમસીના ફૂડ અધિકારી તેજસ શાહે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા બહેરામપુરા વોર્ડમાં ‘સ્નેક ટચ અપ’ નામે વેચવામાં આવતા સોસ અને ટોમેટો કેચઅપના ઉત્પાદન એકમ પર કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્પાદન એકમ જરૂરી લાઇસન્સ વગર ચલાવવામાં આવતું હતું. સોસના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને પેકિંગ પર દર્શાવવામાં આવેલા ઇન્ગ્રેડિયન્ટ્સ વચ્ચે પણ વિસંગતતા જાવા મળી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોસ બનાવવા માટે બટાકાના પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉત્પાદનની પ્રક્રિયામાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત, ઉત્પાદન એકમમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે પણ નિયમોનું પાલન થતું ન હોવાનું જણાયું હતું.
ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન આશરે ૨,૦૦૦ કિલો જેટલો સોસ અને તેની સાથે સંબંધિત સામગ્રીનો જથ્થો મળી આવ્યો છે. તંત્ર દ્વારા આ જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ લાઇસન્સ વગર ચાલતા ઉત્પાદન એકમને તાત્કાલિક બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફૂડ અધિકારી તેજસ શાહના જણાવ્યા અનુસાર, સંબંધિત એકમ દ્વારા અન્ય સ્થળનું લાઇસન્સ લેવામાં આવ્યું હોવાની બાબત પણ સામે આવી છે. આ લાઇસન્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને ટમેટો સોસ અને કેચઅપ જેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ શહેરમાં મોટી સંખ્યામાં લોકો કરે છે. આવી સ્થિતિ નિયમો વિરુદ્ધ ઉત્પાદન થતું હોય તો તે ગ્રાહકોના આરોગ્ય માટે જાખમ ઊભું કરી શકે છે.
એએમસીના ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કરતા એકમોમાં નિયમોનું પાલન કેટલું થાય છે તે અંગે ફરી સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરવા અને સંબંધિત એકમ સામે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.