
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ૩૦ દિવસના વચગાળાના જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. એમએસડબલ્યુ (માસ્ટર આૅફ સોશિયલ વર્ક) અભ્યાસક્રમના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં હાજર રહેવાની જરૂરિયાત અને તેમના ભાઈની નાદુરસ્ત તબિયતને આધાર બનાવીને જામીનની માગ કરવામાં આવી છે. ચૈતર વસાવાના ભાઈએ ઝેરી પદાર્થ પીધો હોવાની રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રજૂ કરવામાં આવેલા કારણોની ખરાઈ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે.
ચૈતર વસાવા તરફથી સિનિયર એડવોકેટ આઈ. એચ. સૈયદે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ધારાસભ્યએ એમએસડબલ્યુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે અને હવે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા નજીક હોવાથી તેમાં હાજર રહેવું જરૂરી છે. તેમણે એ પણ રજૂઆત કરી છે કે એમએસડબ્લ્યુની પરીક્ષા ૧૯ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.
આ ઉપરાંત, તેમના ભાઈએ ઝેરી પદાર્થ પીધો હોવાના કારણે તેમની તબિયત નાદુરસ્ત હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બંને કારણોને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવાને ૩૦ દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાની માગ કરવામાં આવી છે.
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ હાર્દિક દવેએ રજૂઆત કરી હતી કે, જામીન અરજીમાં દર્શાવવામાં આવેલા બંને કારણોની ખરાઈ કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોલેજામાં પ્રવેશ પ્રક્રિયા જુલાઈ મહિના સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. ત્યારે ચૈતર વસાવાએ કયા સંજાગોમાં અને ક્યારે એમએસડબલ્યુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો તેની તપાસ કરવી જરૂરી છે. આ સાથે તેમના ભાઈની તબિયત અંગે કરવામાં આવેલી રજૂઆતની પણ ખરાઈ કરવાની માગ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટ આ અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે રાજ્ય સરકારને ચૈતર વસાવા દ્વારા રજૂ કરવામાં આવેલા કારણોની ખરાઈ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. હવે રાજ્ય સરકારની ખરાઈ અને ત્યારબાદની રજૂઆતોના આધારે વચગાળાના જામીન અંગે આગળની કાર્યવાહી થશે.
ચૈતર વસાવા હાલ વડોદરાની મધ્યસ્થ જેલમાં સાત વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે. સરકારી વનજમીન પર કથિત દબાણ કરીને કરવામાં આવેલી ખેતીનો પાક વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા બાદ વન વિભાગના અધિકારીઓને ધમકી આપવા અને તેમની સાથે મારપીટ કરવાના કેસમાં તેમને જૂન મહિનામાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. હવે પરીક્ષામાં હાજરી અને ભાઈની નાદુરસ્ત તબિયતના આધારે તેમણે ૩૦ દિવસના વચગાળાના જામીન માગ્યા છે. વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. –