ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયરની પસંદગીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત જાહેર કરાયું હોવાથી આ વર્ગના સંભવિત દાવેદારોનાં નામ ચર્ચામાં આવ્યાં છે. ઉપલબ્ધ વિગતો મુજબ, કનુ દેસાઈ, મહેશ ચૌધરી અને ધર્મેન્દ્ર નાયીના નામ મેયર પદ માટે ચર્ચાઈ રહ્યાં છે. જાકે, અંતિમ પસંદગી અંગે સત્તાવાર જાહેરાત થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૪૪માંથી ૩૮ બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તા મેળવી છે.
કોંગ્રેસને પાંચ બેઠકો મળી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીને એકપણ બેઠક મળી નથી.ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ૧૦થી ૧૨ બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો હોવા છતાં મહાનગરપાલિકામાં સત્તા મેળવવાનું તેનું લક્ષ્ય પૂર્ણ થયું નથી. બીજી તરફ, વોર્ડ-૬માં ભાજપના પ્રદર્શન અંગે પણ ચર્ચા થઈ હતી. હવે ચૂંટણી બાદ મનપાના નવા પદાધિકારીઓની પસંદગી પર સૌની નજર છે.
મેયર પદ માટે કનુ દેસાઈ અને મહેશ ચૌધરીનાં નામ મુખ્યત્વે ચર્ચામાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કનુ દેસાઈ અગાઉ સંગઠનમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. તેમના સંગઠનાત્મક અનુભવને ધ્યાનમાં રાખીને તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ, મહેશ ચૌધરી ઓબીસી મોરચામાં કામગીરી કરી ચૂક્્યા છે. ઓબીસી વર્ગમાં તેમની કામગીરીને કારણે તેમનું નામ પણ સંભવિત દાવેદારોમાં સામેલ હોવાનું કહેવાય છે. જાકે, બંનેમાંથી કોને મેયર પદની જવાબદારી મળશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.કનુ દેસાઈ અને મહેશ ચૌધરી ઉપરાંત ધર્મેન્દ્ર નાયીનું નામ પણ મેયર પદ માટે ચર્ચાઈ રહ્યું છે. તેઓ સલૂન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ઓબીસી વર્ગના દાવેદાર તરીકે તેમનું નામ વિચારણા હેઠળ હોવાનું જણાવાય છે. આ ત્રણેય નામો વચ્ચે આખરી પસંદગી કોના નામ પર થશે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. પક્ષના નેતૃત્વ દ્વારા સત્તાવાર નિર્ણય જાહેર થયા બાદ જ નવા મેયરનું નામ સ્પષ્ટ થશે.
મેયરની પસંદગીની સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના અન્ય મહત્વના હોદ્દાઓની વહેંચણી પણ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદે મહિલાને તક મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પાટીદાર સમાજના પ્રતિનિધિને તક મળે તેવી ચર્ચા છે.આ તમામ હોદ્દાઓ અંગેની અટકળો વચ્ચે હવે ભાજપનું નેતૃત્વ કયા નામો પર પસંદગી ઉતારે છે અને મનપાની નવી ટીમનું સ્વરૂપ કેવું હોય છે તે જાવાનું રહેશે.