ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ખજૂરભાઈનો સહારો, ૩ રૂમ-રસોડાના ઘરનું ખાતમુહૂર્ત

સોશિયલ મીડિયા પર ૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા સુઈગામના જાણીતા ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’નું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ દુઃખદ ઘટના બાદ અનેક કલાકારો, સોશિયલ મીડિયા ક્રિએટરો અને રાજકીય આગેવાનો પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે સેવાકીય કાર્યો માટે જાણીતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ પણ ચંદનના પરિવારને મદદરૂપ થવા પોતાના ખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે નવા ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમના નિધન બાદ અનેક લોકોએ શ્રદ્ધાંજલિરૂપે પરિવારને આર્થિક સહયોગ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના પિતાના બેંક ખાતામાં જમા થઈ હતી. બીજી તરફ, ખજૂરભાઈએ ચંદનના પરિવારને રહેવા માટે ત્રણ રૂમ અને એક રસોડું ધરાવતું ઘર બનાવી આપવાની જાહેરાત કરી હતી. આજે આ ઘરનું ખાતમુહૂર્ત થતાં પરિવારને આશ્રય આપવાની દિશામાં કામગીરી શરૂ થઈ છે. આ સેવાકાર્યમાં અનેક સોશિયલ મીડિયા ક્રિએટરો અને સમાજસેવી વ્યક્તિઓ પણ સહયોગ આપી રહ્યા છે.

આ ઉપરાંત, માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે નીતિન જાની દ્વારા ૨,૦૦૦ હેલ્મેટનું વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવાથી અકસ્માતમાં ગંભીર ઈજા થવાનું જાખમ વધી જાય છે. આ પહેલના માધ્યમથી વાહનચાલકોને હેલ્મેટ પહેરવાનો સંદેશ આપવામાં આવશે. ખજૂરભાઈએ અન્ય સોશિયલ મીડિયા ક્રિએટરોને પણ આવા સેવાકીય કાર્યોમાં આગળ આવીને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અપીલ કરી છે. ચંદનના પરિવારને ઘર બનાવી આપવાની પહેલ અને હેલ્મેટ વિતરણની જાહેરાતે માનવતા તથા માર્ગ સુરક્ષાનો સંદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, સુઈગામના એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની અથાક મહેનત અને અનોખી કલાના જારે ડિજિટલ પ્લેટફોર્મ પર એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા પંથકની ગ્રામીણ લોકબોલીમાં હાસ્ય વીડિયો બનાવીને તેઓ લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. તેમની દેશી અને સરળ કોમેડી શૈલી લોકોને ખૂબ જ પસંદ પડતી હતી. તેઓ માત્ર હાસ્ય જ નહીં, પરંતુ રમુજ સાથે સામાજિક સંદેશ આપતા વીડિયો બનાવીને પણ લોકોના દિલમાં વસી ગયા હતા.