મેયર પદ માટે ચર્ચા શરૂ થઈ છે. પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી ઉમેદવાર મેયર બને તેવી શક્યતા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર પદને લઈને પક્ષમાં ચર્ચાઓ તેજ બની છે. પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી વર્ગના ઉમેદવારને મેયર બનાવવાની શક્યતા વચ્ચે ભાજપમાં બે નામો મુખ્યત્વે ચર્ચાઈ રહ્યાં છે. જેમાં વોર્ડ નંબર-૧ના મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-૫ના કનુભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, મેયર પદ માટે મહેશ ચૌધરીનું નામ હાલ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહેશ ચૌધરી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ગાંધીનગરના અગ્રણી શિક્ષાપત્રી ગ્રુપ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. તેમના નામને લઈને ભાજપના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ વોર્ડ નંબર-૫ના કનુભાઈ દેસાઈ પણ મેયર પદના દાવેદાર તરીકે ચર્ચામાં છે. કનુભાઈ દેસાઈ અગાઉ ભાજપના સંગઠનમાં મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. સંગઠન ક્ષેત્રનો તેમનો અનુભવ પણ મેયર પદની પસંદગીમાં મહત્વનો બની શકે છે.

હાલમાં ભાજપમાં બંને નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે મહેશ ચૌધરી મેયર બનવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મેયર પદ માટે અંતિમ નિર્ણય ભાજપના મોવડીમંડળ દ્વારા લેવામાં આવશે.હવે સૌની નજર ભાજપની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. ગાંધીનગરના પ્રથમ અઢી વર્ષના મેયર તરીકે કોની પસંદગી થાય છે અને પક્ષ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.