
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે અનિલ જાદવ નામના યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા મારી તેની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું છે. મોડી સાંજ સુધી અનિલ વાડીએથી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વાડીમાંથી જ અનિલનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. યુવકની હત્યા પાછળનું કારણ શું છે અને આ ગુનામાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટના આંબેડકર ચોક પાસે જૂની અદાવતમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પરેશ ચૌહાણ નામના યુવક પર ગઈકાલે મોડી રાત્રે કાના પરમાર અને રાધે રાઠોડ નામના બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પરેશ ચૌહાણનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પરેશ ચૌહાણને અગાઉ રાધે રાઠોડ સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂની તકરારને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની હત્યાની ઘટના સામે આવી છે. મનસુખ વાછાણી નામના નિવૃત્ત કર્મચારીનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્ની અને પુત્ર અમદાવાદમાં રહેતા હોવાથી મનસુખ વાછાણી ઘરે એકલા રહેતા હતા.
દરમિયાન તેમના ઘરની લાઈટો બંધ અને ઘરનું તાળું તૂટેલું જોઈ પાડોશીઓને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને આરોપીઓની ઓળખ સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે