
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જૂનાગઢના ડેરવાણ વાડી વિસ્તારમાં રેડ કરતા પાંચ લાખ ૪૫,૫૫૦ના દેશી દારુ સાથે એક બુટલેગરને પકડવામાં આવ્યો છે. સમગ્ર દારુ પ્રકરણમાં અન્ય ચાર બુટલેગરોને પોલીસ ચોપડે વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. એક મહિના કરતા ઓછા સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રેડ કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની વિગત અનુસાર, પૂર્વ અને ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના ગામની વાડી વિસ્તારમાં એસએમસીએ રેડ કરતા અહીંથી પોલીસે ૫ લાખ ૪૫ હજાર ૫૫૦નો દેશી દારુ અને દારુ બનાવવાના આથા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસની રેડ દરમિયાન ૬૪૨ લીટર દેશી દારુ જેની બજાર કિંમત ૧ લાખ ૨૮ હજાર ૪૦૦, દેશી દારુ બનાવવાનો આથો ૯૦૧૦ લીટર જેની કિંમત ૨,૨૫,૨૫૦, દારુ બનાવવા માટેના ગોળના ૪૦ ડબ્બા જેની બજાર કિંમત ૬૦ હજાર અને દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો મળી કૂલ ૫ લાખ ૪૫ હજાર ૫૫૦ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ એક બુટલેગરની ધરપકડ બાદ અન્ય ચાર બુટલેગરને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે પ્રોહિબિશન એક્ટ ૬ મુજબ ગુનો રજીસ્ટર કરીને પોલીસ તપાસ શરૂ કરી છે.
૧૭ સપ્ટેમ્બરના રોજ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભેસાણ નજીક આવેલા ફાર્મ હાઉસમાં રેડ કરતા અહીંથી ૧ કરોડ ૨૨ લાખ ૨૦ હજાર ૯૭૬ રૂપિયાનો પર પ્રાંતીય દારુ અને બિયરની ૧૦૧૫ પેટી, ત્રણ વાહન મળીને કૂલ ૧ કરોડ ૨૨ લાખ ૨૦ હજાર ૯૬૭ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.