ગુજરાતમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ, સીઆઇએસએફનો નકલી ડીએસપી બની લોકોને લગાવ્યો લાખોનો ચૂનો

એક કહેવત છે કે લાલચ બુરી બલા છે, જ્યારે કોઈ પોતાની ઓળખાણ સીઆઇએસએફના અધિકારી તરીકે તમને આપે અને સસ્તામાં આઈફોન કે નોકરીની ઓફર આપે ત્યારે ચેતી જજા, કારણ કે સામેવાળો વ્યક્તિ અધિકારી નહીં પણ એક ગઠિયો હોઈ શકે છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા પાસેથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે પોતે સીઆઇએસએફનો ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હોવાની ઓળખ આપતો હતો. આ મહાઠગે લોકોને ખોટી ઓળખાણ આપી પ્રભાવ પાડી ભોળપણનો લાભ લઈને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચનીને બાતમી મળી હતી કે એક શખ્સ નકલી ઓળખ ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા સરદારબાગ પાસેથી અઝમા એ સિકંદર કમ્બોઝ નામના યુવકની ધરપકડ કરી છે. તપાસ કરતા આ યુવક પાસેથી પોલીસને સીઆઇએસએફના ડીએસપીનું એક બોગસ આઈકાર્ડ પણ મળી આવ્યું છે. આ જ નકલી આઈકાર્ડના આધારે તે લોકો પર રોફ જમાવતો હતો.

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી અઝમા એ સિકંદરે પંજાબમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તે અલગ-અલગ જગ્યાએ નોકરી કરતો હતો. પરંતુ મોજ-શોખ કરવા માટે તેને વધુ રૂપિયાની જરૂર હતી. આ જરૂરિયાત પૂરી કરવા તેણે શોર્ટકટ આ અપનાવ્યો. તે લોકોને કાશ્મીરથી સસ્તામાં અખરોટ અને કેરોસીન અપાવવાની લાલચ આપતો. એટલું જ નહીં, આર્મી કેન્ટીનમાંથી સસ્તા ભાવે સામાન અને આઈફોન અપાવવાના બહાને પણ લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો.

આરોપી એરપોર્ટ પર પોતે નોકરી કરતો હોવાની ઓળખ આપીને, બેરોજગારોને એરપોર્ટમાં નોકરી અપાવવાના અને દુબઈથી સસ્તામાં આઈફોન મંગાવી આપવાના નામે પૈસા લઈ લેતો હતો. આ નકલી અધિકારીની હિંમત એટલી ખુલી ગઈ હતી કે તે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે પણ આ બોગસ આઈકાર્ડનો જ ઉપયોગ કરતો અને ટિકિટ લેતો નહોતો. અલગ-અલગ જગ્યાએ જઈને તે પોતાનો પરિચય કેળવતો અને પછી શિકાર બનાવીને પૈસા પડાવતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી સામે જમ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૨૨માં આ જ પ્રકારની છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, તે અન્ય એક ચોરીના ગુનામાં હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે.