મકાનના દરવાજાનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂપિયા ૪.૮૦લાખની મત્તાની ચોરી

ઝાલોદ મુવાડા મંદિર ફળિયામાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી તે મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂપિયા ૪.૮૦ લાખની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ મુવાડા મંદિર ફળિયામાં રહેતા ૬૨ વર્ષીય સુભાષચંદ્ર જગજીવનદાસ પટેલ તારીખ ૭-૧૦-૨૦૨૬ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પોતે પોતાના મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી અમદાવાદ ખાતે ગયા હતા અને તેઓ તારીખ ૦૯-૧૦-૨૦૨૬ નારોજ પરત ઝાલોદ આવ્યા હતા, તે દરમિયાનના સમયગાળામાં ઝાલોદ મુવાડા મંદિર ફળિયા માં એ ત્રાટકેલા તસ્કરો સુભાષચંદ્ર પટેલના બંધ મકાનને નિશાન બનાવી બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરની તિજોરી તોડી તિજોરીમાં મુકેલ રૂપિયા ૩.૯૦ લાખની કિંમતના સોના-ચાંદીના તે દાગીના તથા રૂપિયા ૯૦ હજારની રોકડ મળી રૂપિયા ૪,૮૦,૦૦૦/-વા ની મત્તા ચોરીને લઈ ગયા હતા. સુભાષચંદ્ર પટેલ તારીખ૯-૧૦-૨૦૨૬ ના રોજ પરત ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલા હાલતમાં જોવા મળતાં તેઓને પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા પોતે ઘરમાં જઈ જોતા તિજોરીમાં મુકેલ કપડા-લત્તા તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળી હતી અને તિજોરીના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ જોવા ન મળે તેઓને ઘરમાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ જતા તેઓએ આ સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે આ સંદર્ભે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોર્ડ તથા એફ.એસ.એલની મદદ માગી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.