
પ્રથમ નોરતે ભક્તિમય મહાઆરતી બાદ નાની બાળાઓએ ભરતનાટ્યમથી મન મોહ્યા.
આદ્યાશક્તિ જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રિના પાવન પ્રારંભ સાથે જ સમગ્ર કાલોલ પંથકમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ સર્જાયો છે. કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલા કાછીયાની વાડી ખાતે મહાકાળી યુવક ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવરાત્રિના પ્રથમ નોરતે જ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

સોંકડો દીવડાઓની જ્યોત સાથે યોજાઈ નયનરમ્ય મહાઆરતી : પ્રથમ નોરતાની પાવન રાત્રે સોસાયટીના રહીશો તેમજ આસપાસના વિસ્તારના માઈભક્તો દ્વારા વિશિષ્ટ ભક્તિભાવ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની ભક્તિમાં લીન થઈને એકસાથે સોંકડો દીવડાઓની જ્યોત પ્રજ્વલિત કરાતાં અત્યંત નયનરમ્ય અને મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ગરબા મંડળના આયોજકો અને સ્થાનિકોની મોટી હાજરીમાં માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર થઈ ગયું હતું.મહાઆરતી અને ભક્તિમય માહોલ વચ્ચે ગરબા મહોત્સવના સ્ટેજ પર સોનાબેન જીથ નાયરના માર્ગદર્શન હેઠળ ચાલતા ભરતનાટ્યમ ક્લાસીસની નાની બાળાઓ દ્વારા શાસ્ત્રીય નૃત્યની અદભુત કૃતિ રજૂ કરવામાં આવી હતી. દીકરીઓએ પોતાની કલાના જોહર દેખાડી ઉપસ્થિત સૌ કોઈ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો. બાળાઓની આ પ્રતિભા અને કલા પ્રત્યેના સમર્પણને બિરદાવતા મહાકાળી યુવક ગરબા મહોત્સવના આયોજકો દ્વારા તમામ બાળ નૃત્યાંગનાઓને પ્રોત્સાહિત કરી વિશેષ ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આરતી અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ બાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી રાસ-ગરબાની મોજ માણી હતી.