બોડેલી એસટી બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતી વખતે મોબાઈલ અને પાકીટ ચોરતી કરતી ટોળકી સક્રિય

બોડેલી એસટી ડેપો સહિત વિસ્તારના અન્ય જાહેર સ્થળો પર એસટી બસમાં ચઢતી વખતે મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવ ખૂબ વધ્યા છે. ત્યારે સ્ટેન્ડો પર પોલીસ પોઈન્ટ હોવા છતાં પોલીસ કર્મીઓની ગેરહાજરીથી ઉઠાવગીર ટોળકીઓને જાણે મોકળું મેદાન મળ્યું છે.

બે દિવસ અગાઉ વડોદરાથી બોડેલી આવતી એસટી બસમાં સોમા તળાવથી એક યુવક ભીડ વચ્ચે બસમાં ચઢી રહ્યો હતો. ત્યારે તેના મોબાઈલની ઉઠાંતરી થઈ હતી. તેને ખબર પડતાં જ તેની પાછળ ચઢી રહેલો લબરમૂછિયો યુવક બસમાં બેઠો. તેણે તેના ખિસ્સા તપાસ્યા. પણ મોબાઈલ મળ્યો નહીં.

બસ કપુરાઈ પહોંચી ત્યારે પેલો ઉઠાવગીર યુવક બસમાંથી ઉતરવા માંગતો હતો. ત્યારે બસ કંડક્ટરનો શક પાક્કો થયો કે આ યુવકે અથવા તેના સાથીદારે મોબાઈલ ચોર્યો છે. તેને ઉતારવા દેતા ન હતા. પણ ઊભેલી બસમાંથી છટકીને ભાગી ગયો. કંડક્ટરે યુવકને પકડી રાખ્યો. ત્યારે યુવકનો શર્ટ હાથમાં આવી ગયો. ત્યારે જોયું કે પેન્ટના આગળના ભાગે મોબાઈલ ખોસેલો હતો. તે લઈને યુવક શર્ટ વિના ઊભી પૂછડીએ ભાગી ગયો હતો.

જાહેર સ્થળો પર આવા પીક પોકેટર્સ તકનો લાભ લઈ તફડંચી કરી રહ્યા છે. ત્યારે ઉતાવળે બસમાં ચઢનારા મુસાફરોએ પોતાનો મોબાઈલ અને પાકીટ ચીવટપૂર્વક આગળના ભાગે રાખવા જોઈએ. પોલીસ પણ આવા સ્થળો પર પોઈન્ટ મૂકે. તો આવા બનાવો અટકી શકે છે.