પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેઢિયા ઉગમણો ભાગ ગામે ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૬ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે મોટરસાયકલ વચ્ચે થયેલી આ ટક્કરમાં એક વ્યક્તિને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, કનકસિંહ હમીરસિંહ ચૌહાણ (રહે. બેઢિયા, તા. કાલોલ) પોતાની મોટરસાયકલ (નંબર: GJ.17.CQ.5997) લઈને ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન દિનેશસિંહ બળવંતસિંહ ચૌહાણના ઘર નજીક પહોંચતા જ સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી અન્ય એક મોટરસાયકલ (નંબર: GJ.17.CJ.2198)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કનકસિંહ રોડ પર પટકાતા તેમને માથામાં તથા હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જી સામેની બાઇકનો ચાલક પોતાની મોટરસાયકલ સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટના બની કે તુરંત જ અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત કનકસિંહને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
આ અંગે ઇજાગ્રસ્તના પુત્ર દીપસિંહ કનકસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૭) દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ ૦૯/૧૦/૨૦૨૬ના રોજ અકસ્માત સર્જી નાસી છૂટેલ બાઇક (GJ.17.CJ.2198)ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.વેજલપુર પોલીસે આ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.