શહેરા તાલુકાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી કુદરતી સંપત્તિ ગણાતી રેતી અને સફેદ પથ્થરોનું ખનન અને ગેરકાયદેસર વહન થઈ રહ્યું છે. જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ બાબતે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને ઢીલી નીતિના કારણે ભૂમાફિયાઓને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગેરકાયદે ખનીજ ભરેલા વાહનો પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ હોતી નથી અથવા તો નંબર વાંચી ન શકાય તે રીતે ભુંસી નાખવામાં આવ્યા હોય છે. માર્ગો પરથી અત્યંત પૂરઝડપે અને ઓવરલોડ સ્થિતિમાં પસાર થતા આ વાહનોના કારણે ગંભીર અકસ્માતોની સંભાવના સતત તોળાતી રહે છે.ગેરકાયદેસર રીતે રેતી અને સફેદ પથ્થરોના ઉત્ખનન અને રોયલ્ટી પાસ વગરના વહનને કારણે સરકારી તિજોરીને સીધો અને મોટો આર્થિક ફટકો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.તાલુકામાં ચાલતી આ ગેરકાયદે ખનીજ ચોરી સામે કડક કાર્યવાહીથી સરકારી તિજોરીમાં જમા થતી રોયલ્ટીની આવકમાં પણ મોટો વધારો થઈ શકે? પરંતુ હવે જોવાનું એ રહે છે કે, જવાબદાર ખાણ-ખનિજ વિભાગ આ નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને ભૂમાફિયાઓ સામે કેવા પ્રકારના દાખલાપ કાર્યવાહી કરે છે.