
અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે એએમટીએસના રૂટ નંબર ૧૪૩ની શટલ બસના ડ્રાઇવરે દારૂના નશામાં બસ ચલાવી માર્ગ પરથી પસાર થતા નાગરિકોના જીવ જાખમમાં મુક્યા હોવાની ઘટના સામે આવી હતી. બસના ડ્રાઇવર સુરેશ રાજપૂતે નશાની હાલતમાં બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
એએમટીએસજીના અધિકારીએ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે અને સંબંધિત એજન્સીને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઘટના બાદ સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. જાહેર પરિવહનની બસ ચલાવતા ડ્રાઇવરની નશાની હાલતમાં હોવાની ઘટના સામે આવતાં બસચાલકોની તપાસ અને મુસાફરો સહિત રસ્તા પરથી પસાર થતા લોકોની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રવક્તા અતિક સૈયદ દ્વારા આ ઘટના બાદ એએમટીએસના તમામ બસ ડેપોમાં ડ્રાઇવરો બસ લઈને રૂટ પર નીકળે તે પહેલાં તેમનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ ફરજિયાત કરવાની માગ કરવામાં આવી છે. ડ્રાઇવરની નશાની સ્થિતિ ચકાસ્યા બાદ જ બસને રૂટ પર મોકલવામાં આવે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય છે. આ ઉપરાંત, જવાબદાર ડ્રાઇવર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની અને તેને કાયમી ધોરણે સેવામાંથી દૂર કરવાની માગ પણ કરવામાં આવી છે.
એએમટીએસના અધિકારીએ જણાવ્યું કે, ‘ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. તેને તાત્કાલિક અસરથી તેને કાઢી દેવામાં આવ્યો છે અને બસનું સંચાલન કરતી એજન્સી અરહમને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’એએમટીએસ સાથે જાડાયેલી બસચાલન અને વ્યવસ્થાપન સંબંધિત ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે.
જુલાઈમાં એલિસબ્રિજ નજીક એએમટીએસ બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી. તે સમયે ડ્રાઇવર નશામાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.સપ્ટેમ્બરમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઇવરો વચ્ચે ઓવરટેકિંગના મુદ્દે વિવાદ થયો હતો. આ ઘટનાને કારણે બસ સેવા ખોરવાઈ હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, બે ઇલેક્ટ્રક એએમટીએસ બસ એકસરખી નંબર પ્લેટ સાથે દોડતી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.