વલસાડના ઉમરગામના દરિયામાં ૬ બાળકો તણાયા, ૧નું મોત, ૫નો આબાદ બચાવ

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે દરિયામાં નહાવા પડેલા છ બાળકોમાંથી એક બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ બાળકોને સહીસલામત બચાવી લેવામાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઉમરગામમાં સુંદરવન નજીક માતા-પિતાને જાણ કર્યા વિના છ બાળકો દરિયામાં નહાવા માટે ગયાં હતાં. આ દરમિયાન દરિયામાં અચાનક ભરતી આવતાં તમામ બાળકો પાણીમાં તણાવા લાગ્યાં હતાં. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાંચ બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.જાકે, એક બાળક દરિયાના પાણીમાં તણાઈ જતાં તેની શોધખોળ માટે ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમ દ્વારા દરિયામાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન અંતે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.આ દુર્ઘટનામાં એક બાળકના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દરિયામાં ભરતી અને પાણીના પ્રવાહને કારણે સર્જાયેલી આ ઘટના ફરી એકવાર દરિયાકાંઠે બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.