ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર બીઝેડ કૌભાંડમાં હાઈકોર્ટ લાલઘૂમ,સીઆઇડી ક્રાઇમ પાસે માગ્યો ખુલાસો

ગુજરાતના ચકચારી મ્ઢ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભારતીય ક્રિકેટરો સાથે થયેલી છેતરપિંડીનો મામલો ગરમાયો છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવીને તપાસ એજન્સીઓ સામે સવાલ ઉઠાવ્યા છે.

ભારતીય ક્રિકેટર હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના રોકાણ સાથે જાડાયેલા આ વિવાદમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી ‘ગુજરાત ટાઇટન્સ’ના પૂર્વ મેનેજર ધવલ શાહ, તેના પત્ની પુનિતા શાહ અને વિરલ શાહની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે. એવા આક્ષેપો છે કે, ધવલ શાહે ક્રિકેટ જગતમાં તેમના હોદ્દા અને સંબંધોનો ગેરલાભ લઈને ભૂપેન્દ્ર ઝાલા માટે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. ક્રિકેટરોને ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને કરોડોનું રોકાણ કરાવાયું હતું, પરંતુ સમય પૂરો થવા છતાં તેમને વળતર મળ્યું ન હતું.

ગુજરાત હાઈકોર્ટમાં ક્રિકેટરો વતી હાજર એડવોકેટ કિશન ચકવાવાલાએ રજૂઆત કરી હતી કે, બોડકદેવ પોલીસ સ્ટેશન સહિતના સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદો કરવા છતાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં જાણી જાઈને વિલંબ અને ઉદાસીનતા દાખવાઈ રહી છે. આટલા મોટા કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય જવાબદારો સામે યોગ્ય ગુનાઇત કલમો હેઠળ નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે.

અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે પોલીસને ફરિયાદો અંગે ત્વરિત નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. હવે મ્ઢ ફાઇનાન્સિયલ સર્વિસિસ સામે નોંધાયેલી ફરિયાદમાં ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહ જેવા મુખ્ય પાત્રોને આરોપી તરીકે કેમ સામેલ કરવામાં આવ્યા નથી? તે અંગે હાઈકોર્ટે સીઆઇડી ક્રાઇમ પાસે સ્પષ્ટ ખુલાસો માગ્યો છે. આગામી સુનાવણીમાં તપાસની પ્રગતિ અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ બાબતે કડક સૂચના અપાઈ છે, જેથી આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.