અમદાવાદની પેઢીમાંથી રૂ. ૪૫.૨૯ લાખ ગુમ કરનાર બે સગા ભાઈઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા, ૩.૩૨ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ શહેરના વ્યસ્ત અને ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક અગ્રણી પાર્સલ સર્વિસ પેઢીમાંથી અંદાજે એક મહિના અગાઉ થયેલી લાખો રૂપિયાની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ચકચારી પ્રકરણમાં પેઢીમાં જ નોકરી કરતા બે સગા ભાઈઓની ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.

૭ સપ્ટેમ્બરના રોજ કાલુપુર રેલવે સ્ટેશનની સામે આવેલા લોઢાવાળા ચેમ્બર્સની દુકાન નં. ૫ અને ૯ માં ધમધમતી ‘કે. મંગીલાલ પાર્સલ સર્વિસ’ નામની પેઢીમાંથી બપોરે ૩ થી ૪ઃ૪૫ વાગ્યા આસપાસમાં કુલ રૂપિયા ૪૫.૨૯ લાખની રોકડ રકમની રહસ્યમય ચોરી થઈ હતી. આ અંગે મણિનગર વિસ્તારમાં રહેતા માધારામ લીચનરામ શર્મા દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોરી કરાયેલી આ માતબર રકમમાં ઓફિસના ટેબલના કમ્પાર્ટમેન્ટમાં સુરક્ષિત રાખવામાં આવેલી રોકડ તેમજ કાલુપુરના જ પંચકુવા વિસ્તારના એક વેપારી પાસેથી ખાસ એકત્રિત કરવામાં આવેલા રૂપિયા ૫ લાખનો પણ સમાવેશ થતો હતો. આટલી મોટી રકમ ગુમ થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.નાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન એલસીબીની ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા મેળવેલી સચોટ માહિતીના આધારે આરોપીઓની ભાળ મેળવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ ચોરી કરનાર બંને શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ તે જ પેઢીમાં સાથે નોકરી કરતા અને ડ્યુટી પર હાજર રહેલા બે સગા ભાઈઓ યશવીર રામાવતાર પરમાર (ઉંમર ૨૩) અને દલવીર રામાવતાર પરમાર (ઉંમર ૩૨) હતા, જેઓ ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યા હતા.નકશા જુઓ

ટેકનિકલ ઇનપુટ્‌સના આધારે ઝોન-૩ એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી, આગ્રા જિલ્લાના તેમના વતની ગામ હસનપુરા ખાતે દરોડો પાડીને ગત ૧૧ ઓક્ટોબરે બંને ફરાર ભાઈઓને દબોચી લીધા હતા. ધરપકડ બાદ પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧.૮ લાખની રોકડ રકમ તથા રૂપિયા ૧.૫૨ લાખની કિંમતના ત્રણ અત્યાધુનિક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આમ, પોલીસે કુલ રૂપિયા ૩.૩૨ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આ દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ રાખી છે કે બાકીની રકમ ક્યાં છુપાવવામાં આવી છે અથવા તેનો ક્યાં ઉપયોગ થયો છે.