સુરતમાં ઇન્ડિયા ગઠબંધનની વિરોધ રેલી પહેલાં જ પોલીસ એક્શન, કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી

મતદાર યાદીમાં ગેરરીતિ અને મતદારો સાથે થઈ રહેલા કથિત અન્યાયના મુદ્દે સુરતમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસના નેતૃત્વમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ વિરોધ રેલી કાઢવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, રેલી માટે પોલીસની પરવાનગી ન હોવાના કારણે રેલી આગળ વધે તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા. અહીંથી અઠવાગેટ અને એમ.ટી.બી. કોલેજ થઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન) પ્રક્રિયાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની પણ યોજના હતી.

કોંગ્રેસના આગેવાનો દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી વિરોધ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, રેલી યોજવા માટે જરૂરી પોલીસ પરવાનગી ન હોવાને કારણે પોલીસે દરમિયાનગીરી કરી હતી. રેલી આગળ વધે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરતાં સ્થળ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

મતદાર યાદીની પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદારોના અધિકારોના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવાની તૈયારી કરવામાં આવી હતી. બીજી તરફ, પરવાનગીના અભાવે રેલીને આગળ વધવા દેવામાં આવી નહોતી. આ ઘટનાને પગલે સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે.

હવે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આગળ શું વલણ અપનાવવામાં આવે છે અને મતદાર યાદી તથા એસઆઇઆર પ્રક્રિયાને લઈને વિરોધ પક્ષની રજૂઆતો પર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.