સાફસફાઈની ગ્રાન્ટ, વિકાસનાં કામો અને ગ્રામજનોની રજૂઆતોનો હિસાબ ક્યારે મળશે? તલાટી કમ મંત્રીના વલણ સામે ગ્રામજનોમાં સવાલો.
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે યોજાયેલી સામાન્ય સભા અને ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૨ જેટલા મુદ્દાઓનું આખરે શું થયું? સાફસફાઈની ગ્રાન્ટ, વિકાસનાં કામો અને ગામના વિવિધ પ્રશ્નો અંગે કરાયેલી રજૂઆતોની નોંધ ધરાવતી ફાઇલ આજે ક્યાં છે? ગ્રામજનોના મનમાં ઊઠતા આ સવાલોનો જવાબ કોણ આપશે? ગામના લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ફાઇલ કચેરીના કોઈ ખૂણામાં ધૂળ ખાઈ રહી છે કે પછી સાચવણીના અભાવે તેના કાગળોને ઉધઈ લાગી જવાનો વારો આવશે? આ સવાલો હાલ ચેલાવાડામાં ચર્ચાનો વિષય બન્યા છે.
ગ્રામસભા એ ગામના નાગરિકોને પોતાના પ્રશ્નો, મુશ્કેલીઓ અને વિકાસલક્ષી જરિયાતો રજૂ કરવા માટેનું મહત્વનું મંચ છે. ગ્રામજનો પોતાની સમસ્યાઓ રજૂ કરે, સંબંધિત અધિકારીઓ તેની નોંધ લે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી થાય, એવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ ચેલાવાડા ગામે રજૂ થયેલા ૨૨ મુદ્દાઓ પર શું કાર્યવાહી થઈ, કયા મુદ્દાઓનો નિકાલ આવ્યો અને કયા મુદ્દાઓ હજુ પડતર છે, તે અંગે સ્પષ્ટ માહિતી સામે ન આવે તો ગ્રામસભાની કાર્યવાહી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.
ખાસ કરીને સાફસફાઈની ગ્રાન્ટના ઉપયોગ અને વિકાસનાં કામો અંગે ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નોનો જવાબ મળવો જરી છે. રજૂઆતોની નોંધ કરેલી ફાઇલ ઉપલબ્ધ છે કે નહીં, તેની સત્તાવાર ચકાસણી થઈ છે કે નહીં અને સંબંધિત મુદ્દાઓ પર કોઈ ઠરાવ કે કાર્યવાહી નોંધાઈ છે કે નહીં, તે બાબતે જવાબદારીપૂર્વક સ્પષ્ટતા થવી જોઈએ.
ગામના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવે, તેની નોંધ લેવામાં આવે અને પછી તેના પર શું થયું તેની જાણ જ ન મળે, તો સામાન્ય નાગરિકનો વિશ્ર્વાસ ડગમગે તે સ્વાભાવિક છે. ચેલાવાડાના ગ્રામજનોના મનમાં પણ હવે એવો સવાલ ઊઠી રહ્યો છે કે તેમની રજૂઆતો માત્ર નોંધ પૂરતી જ રહી ગઈ છે કે પછી તેના આધારે કોઈ નક્કર પગલાં પણ લેવામાં આવ્યાં છે?
ગ્રામજનોના જણાવ્યા મુજબ, લોકોના પ્રશ્નો અને રજૂઆતો અંગે જવાબદારી નક્કી કરવાની વાત આવે ત્યારે તલાટી કમ મંત્રીએ આ મારી પંચાયત નથી એવું કહી હાથ ખંખેરી નાખ્યાનો આક્ષેપ છે. જો આવું નિવેદન કરવામાં આવ્યું હોય, તો સવાલ એ છે કે ગ્રામ પંચાયતની કામગીરી, રેકોર્ડની જાળવણી અને ગ્રામસભાના મુદ્દાઓ અંગે જવાબદારી કોની છે?
પંચાયતની વહીવટી કામગીરીમાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અલગ હોઈ શકે, પરંતુ ગ્રામજનોના પ્રશ્નોનો જવાબ આપવાની જવાબદારીમાંથી કોઈએ છટકી જવું જોઈએ નહીં. તલાટી કમ મંત્રી હોય કે ચૂંટાયેલા પંચાયતના સભ્યો, દરેકે પોતાની સત્તા અને ફરજના દાયરામાં રહીને રજૂઆતો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.
જો તલાટી કમ મંત્રી પંચાયતની કામગીરીમાંથી પોતાને અલગ ગણાવતા હોય અથવા પંચાયત છોડવાની વાત કરતા હોવાના આક્ષેપો સાચા હોય, તો સંબંધિત અધિકારી અને પંચાયતના જવાબદાર પ્રતિનિધિઓએ આ અંગે પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ.
ચેલાવાડા ગામના લોકો માટે હવે મુખ્ય પ્રશ્ન એ નથી કે ગ્રામસભા યોજાઈ હતી કે નહીં, પરંતુ ગ્રામસભામાં રજૂ કરાયેલા મુદ્દાઓનું પરિણામ શું આવ્યું? સાફસફાઈની ગ્રાન્ટનો કેટલો ઉપયોગ થયો? વિકાસનાં કયા કામો પૂર્ણ થયાં? કયા કામો બાકી છે? ગ્રામજનોની રજૂઆતો પર શું નિર્ણય લેવાયો? અને આ તમામ બાબતોની નોંધ ધરાવતી ફાઇલ હાલ ક્યાં છે?
આ પ્રશ્નોના જવાબો માત્ર મૌખિક આશ્ર્વાસનથી નહીં, પરંતુ ગ્રામસભાની કાર્યવાહી નોંધ, ઠરાવપોથી, ગ્રાન્ટના હિસાબો અને સંબંધિત રેકોર્ડના આધારે મળવા જોઈએ.
-ગ્રામસભામાં રજૂ થયેલા ૨૨ મુદ્દાઓની ફાઇલ હાલ કયા અધિકારી પાસે અને કઈ કચેરીમાં છે?
સાફસફાઈની ગ્રાન્ટ અંગે થયેલા ખર્ચની વિગતો જાહેર કરવામાં આવશે?
વિકાસનાં કામો અંગે ગ્રામજનોએ કરેલી રજૂઆતો પર કઈ કાર્યવાહી થઈ?
ગ્રામસભાના મુદ્દાઓનો નિકાલ થયો હોય તો તેની નોંધ અને પુરાવા ક્યાં છે?
ફાઇલની જાળવણી અને રજૂઆતોના નિકાલની જવાબદારી કોની છે?
ગ્રામજનોને તમામ મુદ્દાઓ અંગે લેખિત જવાબ ક્યારે આપવામાં આવશે?
હવે જોવાનું એ છે કે, ચેલાવાડાના ગ્રામજનોના સવાલોનો જવાબ મળશે કે પછી ૨૨ મુદ્દાઓની ફાઇલની જેમ તેમના પ્રશ્નો પણ કચેરીના રેકોર્ડમાં જ દટાઈ રહેશે?
લોકશાહીમાં ગ્રામસભા માત્ર હાજરી પૂરવાની કે ઠરાવો લખવાની પ્રક્રિયા નથી; તે ગ્રામજનોના અવાજને વહીવટી નિર્ણય સુધી પહોંચાડવાનું માધ્યમ છે. ચેલાવાડા ગ્રામ પંચાયત અને સંબંધિત વહીવટી તંત્રએ ફાઇલની સ્થિતિ, ગ્રાન્ટના હિસાબો અને રજૂઆતો પર થયેલી કાર્યવાહી અંગે પારદર્શક ખુલાસો કરવો જોઈએ. ગ્રામજનોને જવાબ મેળવવાનો અધિકાર છે અને સંબંધિત તંત્રએ પોતાની કામગીરીનો હિસાબ આપવો જોઈએ.