દાહોદ નગરપાલિકાના મહિલા પ્રમુખ અને તેમની ટીમ દ્વાર ગટર ગંગા બની ગયેલ દાહોદ ની પવિત્ર દુધીમતી નદીને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન શરૂ કર્યું

નદીની સફાઈ માટે આવેલ ગ્રાન્ટના પૂરેપૂરા નાણાંનો ઉપયોગ કરાયાની વ્યાપક ચર્ચાઓ.

દાહોદ નગરપાલિકાના સત્તાધીશોની દેર આયે દુરસ્ત આયેની ઉક્તિ સાર્થક કરી હોય તેમ ચોમાસા પહેલા નહીં તો ચોમાસા પછી પણ નદીની સફાઈની કામગીરી હાથ ધરી નદીના કલેવર બદલવાનું સત્કાર્ય કરતા નગરજનોએ પાલિકાના સત્તાધીશોની પવિત્ર દુધીમતિ નદી સાફ કરવાની કામગીરીને મોકળા મનથી ભરપેટ બિરદાવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી શહેર ના બાગ બગીચાઓની માવજત માટે તેમજ શહેરની પવિત્ર દુધીમતી નદીની સફાઈ માટે સરકાર માંથી ગ્રાન્ટ ના નાણા ફાળવવામાં આવતા હોય છે. પરંતુ જે તે સમયના પાલીકાના સત્તાધીશો દ્વારા નદીની સફાઈ કરવાનું ટાળી દઈ ગ્રાન્ટ ના પૂરેપૂરા નાણા ક્યાંક ને ક્યાંક ચાંઉ કરી દેવાતા હતા. ભૂતકાળમાં પ્રીમોનસુન ની કામગીરી ના ભાગરૂપે ચોમાસુ શરૂથવાના નજીકના દિવસોમાં જ નદીની સફાઈનું કામ હાથ ધરવામાં આવતું હતું અને હાલત પૂરૂ થાય તે પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ જતા તે કામગીરી અધુરી જ આટોપાઈ લેવાતી હતી અને નદીની સફાઈ અધુરી જ રહી જતી હતી અને તેની ગ્રાન્ટના નાણાં કોણ અને ક્યાં વાપરાતા હતા તે તો જે તે સમયના સત્તાધીશો જ જાણતા હતા. આવું વર્ષોથી ચાલ્યું આવ્યું હતું. એક વખત તો આ પવિત્ર દુધીમતી નદીમાં ગટરના ગંદા પાણી ઠલવાતા હતા. અને નદીની પવિત્રતા દુષિત થતી હતી. તેમ જાણવા છતાં આ નદીના કિનારે સત્તાધીશો દ્વારા લાલ જાજમ પાથ્રી ગંગા આરતીનો કાર્યક્રમ યોજી નદીની કહેવાતી પવિત્રતા સાચવવાનો વાજતે ગાજતે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર નદીમાં આમ તો વર્ષોથી દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણી ઠાલવી ભૂતકાળના તમામ સત્તાધિશો એ નદીની પવિત્રતાને દૂષિત કરવાનું કામ કર્યું છે. ત્યારે દેર આયે દુરસ્ત આયે ની ઉક્તિ સાર્થક કરી દાહોદ નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોએ વર્ષો પછી નદીની સફાઈનું જાણે બીડુ ઝડપ્યું હોય તેમ તાત્કાલિક નદીની સફાઈની કામગીરી હાથ ધરી છે. વર્ષો પછી થયેલી આ બિરદાવવા લાયક કામગીરીને કારણે વર્ષો પછી નગરજનોને પોતાના નગરની પૂર્વાભિમુખ અતિ પવિત્ર દુધીમતી નદીના અસલ સ્વ‚પના દર્શન થતાં નગરજનોએ આ ઉમદા કામગીરીના ભરપેટ વખાણ કરી કામગીરીને બિરદાવી છે.