
મૃતક તાડવા ગામના નારણ પટેલીયા હોવાનું ખુલ્યું; બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી.
શહેરા તાલુકાના બાહી ગામે આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક યુવક નજીકના તાડવા ગામનો રહેવાસી અને બે નાના બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકાના બાહી ગામના તળાવમાં એક યુવકની લાશ તરતી હોવાનું સ્થાનિક ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. તળાવમાં મૃતદેહ હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ તાત્કાલિક બાહી ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી તુરંત જ શહેરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ કાફલો તાબડતોબ બાહી ગામના તળાવ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી તળાવમાંથી યુવકના મૃતદેહને બહાર કઢાવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી, બનાવનું ચોક્કસ કારણ જાણવા અર્થે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.પોલીસે તળાવમાંથી મળી આવેલ મૃતદેહની ઓળખ વિધિ હાથ ધરતાં, મૃતક યુવક તાડવા ગામના પટેલીયા ફળીયામાં રહેતો નારણભાઈ જવરાભાઈ પટેલીયા હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક નારણભાઈ બે સંતાનોના પિતા હોવાથી તેમના અચાનક અવસાનથી પરિવારજનો પર દૂખનો ડુંગર તૂટી પડ્યો હતો અને તાડવા ગામમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ હતી.યુવક તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો, તે અકસ્માતે તળાવમાં પડી ગયો હતો કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે તે અંગે શહેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.