પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે ૧ લાખ ઉપરાંત માઈભકોત ઉમટયા

પંચમહાલ જીલ્લાના વિશ્ર્વપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ પર્વનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ નોરતાના પાવન અવસરે જ મા મહાકાળીના દર્શનાર્થે ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટી પડ્યા હતા. સવારે ૫ વાગ્યે મંદિરના નિજ દ્વાર ખૂલતાની સાથે જ ‘જય માતાજી’ અને ‘જય અંબે’ના ગગનભેદી નાદથી સમગ્ર પાવાગઢ ડુંગર અને મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા અને સુવિધા નવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડને અનુલક્ષીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ૧,૩૦૦ થી વધુ પોલીસ જવાનો, એસડીઆરએફ (SDRF) ટીમ તેમજ ૬૦ નાયબ મામલતદારોને ફરજ પર તૈનાત કરાયા છે. યાત્રાળુઓની સહાયતા માટે ૩ વિશેષ કંટ્રોલ ‚મ ઊભા કરાયા છે.

વાહનવ્યવહાર, આરોગ્ય સુવિધા અને સ્વચ્છતાની અપીલ ભક્તોની સુગમ અવરજવર માટે ૧૫ વધારાની બસો સહિત કુલ ૭૫ એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દર્શનાર્થીઓની સારવાર માટે ૬૦ સભ્યો ધરાવતી આરોગ્ય ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. પાવાગઢમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ હોય, તંત્ર દ્વારા ભક્તોને પ્લાસ્ટિકની બોટલો તેમજ પાન-મસાલાના પડીકાંનો ઉપયોગ ટાળી યાત્રાધામમાં સ્વચ્છતા જાળવી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.