
આજરોજ પવિત્ર નવરાત્રી પર્વના પ્રથમ દિવસે કાલોલ તાલુકાના પ્રખ્યાત ‘ટેમ્પલ ટાઉન’ તરીકે ઓળખાતા ડેરોલ ગામ ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય ધ્વજારોહણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવલા નોરતાના પ્રારંભ સાથે જ માતાજીની આરાધના અર્થે મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
લોકવાયકા મુજબ નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીની વિશેષ હાજરી પૃથ્વી પર રહે છે. ડેરોલ ગામમાં આવેલું આ ચામુંડા માતાજીનું મંદિર આ વિસ્તારના અસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિરમાં ચોટીલા વાળા માતાજીની આજ્ઞાથી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચોટીલા વાળા માતાજીની વિશેષ કૃપા અને મરજીથી જ એક નાનકડા ડેરામાંથી આ મંદિર આજે એક ભવ્ય ધામ તરીકે વિકસિત થયું છે.
આ પવિત્ર મંદિરમાં ચામુંડા માની સાથે સાથે મા મેલડી માની પણ ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તો પોતાની સાચી શ્રદ્ધાથી માતાજી સમક્ષ શીશ ઝુકાવી પોતાના દુ:ખો દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પ્રથમ નવરાત્રિના પાવન અવસરે આજે સવારે માતાજીના મંદિરે નવા શણગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભક્તિભાવ સાથે માતાજીની આરતી ઉતારીને ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ધ્વજારોહણ અને આરતીના આ મંગલ પ્રસંગે ડેરોલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી ધન્યતા અનુભવી હતી.