કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેલોલ ગામે સાયબર ફ્રોડની એક ગંભીર ઘટના સામે આવી છે. દેલોલ ખાતે રહેતા હેતલબેન શૈલેષકુમાર રાઠોડના બેંક ઓફ બરોડાના ખાતા માંથી અજાણ્યા ઠગ ઈસમોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.૭૯,૦૦૦ ની રકમ ઓનલાઈન ઉપાડી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.ફરીયાદી હેતલબેન શૈલેષકુમાર રાઠોડ (ઉ.વ. ૨૪) દેલોલ બહાર ફળિયામાં રહે છે અને ઘરકામ તથા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમનું બેંક ઓફ બરોડાની દેલોલ શાખામાં ખાતું આવેલું છે, જેની સાથે તેમના પતિ શૈલેષભાઈ શનાભાઈ રાઠોડનો મોબાઈલ નંબર લિંક કરાવેલો છે. જેથી બેંક વ્યવહારોના મેસેજ તેમના પતિના મોબાઈલ પર આવે છે.
ગત તા. ૦૩ ૧૦ ૨૦૨૬ થી તા. ૦૯ ૧૦ ૨૦૨૬ દરમિયાન અજાણ્યા સાયબર ઠગ ઈસમે કોઈપણ પ્રકારે તેમની જાણ બહાર બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. ૭૯,૦૦૦ – ડેબિટ કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં દંપતીએ બેંકમાં જઈને સ્ટેટમેન્ટ ચેક કરાવ્યું હતું, જેમાં ઓનલાઈન ફ્રોડ થયાની પુષ્ટિ થઈ હતી.
સાયબર હેલ્પલાઈન પર નોંધણી અને પોલીસ ફરિયાદ : ઘટના અંગે જાણ થતાં જ ફરિયાદીના પતિ શૈલેષભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમની હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને ઓનલાઈન અરજી નોંધાવી હતી, જેનો એક્નોલેજમેન્ટ નંબર ૩૧૧૧૦૨૬૦૨૫૦૩૫૫ છે. ત્યારબાદ આ બાબતે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિદ્ધ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ દ્વારા ચલાવવામાં આવી રહી છે.