
ઘટ સ્થાપના, અખંડ જ્યોત, મંગળા આરતી અને ધ્વજારોહણ સાથે નવરાત્રિનો શુભારંભ : બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર.
આસો સુદ એકમ, તા. ૧૧-૧૦-૨૦૨૬ રવિવારના પવિત્ર દિવસે ઝાલોદ શહેરમાં રામસાગર તળાવ પાસે આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવનો ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહભર્યા વાતાવરણમાં વિધિવત્ પ્રારંભ થયો હતો. નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના નવ દિવસ માટે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. સાથે જ અખંડ જ્યોત પ્રજ્વલિત કરી મંગળા આરતી સહિતની ધાર્મિક વિધિઓ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે માઈ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ર્માં અંબાની પૂજા-અર્ચના કરી માતાજીના ચરણોમાં ધ્વજા અર્પણ કરી હતી. ત્યારબાદ માઈ ભક્તોએ ધ્વજા સાથે મંદિરની પરિક્રમા કરી હતી. પરિક્રમા પૂર્ણ થયા બાદ ઢોલ-નગારાના ગાજતા નાદ સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ધ્વજારોહણ દરમિયાન ભક્તોના મુખેથી એકસૂરમાં બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષ ગુંજી ઉઠતા સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. જયઘોષના નાદથી વાતાવરણમાં અદભુત આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો અને ઉપસ્થિત ભક્તોમાં શ્રદ્ધા તથા ભક્તિની લાગણી વધુ પ્રબળ બની હતી.
મંદિર પ્રાંગણમાં ઢોલ-નગારાના તાલે માઈ ભક્તો ગરબે ઝૂમતા પણ જોવા મળ્યા હતા. માતાજીની આરાધનામાં લીન થયેલા ભક્તોના ચહેરા પર ભક્તિ અને આનંદની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. કોઈ હાથમાં ધ્વજા લઈને તો કોઈ માતાજીના જયઘોષ સાથે ગરબે રમતા જોવા મળતા હતા. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને શક્તિ ઉપાસનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં પરંતુ શક્તિ સ્વપા મા અંબાની આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ છે. નવ દિવસ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના, આરતી, જ્યોત અને ભક્તિ દ્વારા માઈ ભક્તો માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રાર્થના કરે છે. નવરાત્રિના આ પવિત્ર પર્વને લઈને ઝાલોદના ખોડીયાર માતાજીના મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.
ર્મા અંબાની ભક્તિમાં લીન થયેલા માઈ ભક્તો, ઢોલ-નગારાના ગાજતા નાદ, અખંડ જ્યોતની દિવ્ય જ્યોતિ અને બોલ માડી અંબે, જય જય અંબેના ગગનભેદી જયઘોષથી ખોડીયાર માતાજીનું મંદિર જાણે શક્તિધામ બની ગયું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.
નવરાત્રિના પ્રથમ દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી ઝાલોદમાં નવરાત્રિ મહોત્સવનો પવિત્ર અને ઉત્સાહભર્યો પ્રારંભ થયો હતો. આગામી નવ દિવસ દરમિયાન પણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને માતાજીની આરાધનાનો સિલસિલો ચાલુ રહેશે.