વરસાદી કાંસના અભાવે અમરોલી, ભરવાડા ગામના રોડની સાઈડો ધોવાતા પ્રોટેકશન વોલની માંગ

નસવાડી તાલુકાના અમરોલી ગામથી ભરવાડા, છઠ્ઠીઆમલી, ધટાસા, સમરપુરા, બુથખાન સહિત ૧૦ જેટલા ગામોને જોડતા માર્ગની હાલત વરસાદના કારણે બિસ્માર બની છે. આ માર્ગ પંચાયત માર્ગ અને મકાન વિભાગની માલિકીનો છે.

રસ્તાની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવી ન હોવાથી ચોમાસા દરમિયાન રસ્તાની બાજુમાં કોતરની માફક પાણી વહે છે.જેના કારણે રસ્તાની સાઈડો ધોવાઈ ગઈ છે. અમરોલીથી સાંઢિયા ગામ વચ્ચે રસ્તાની સાઈડ ધોવાઈ જતાં મોટા ગાબડાં પડ્યા છે. આ માર્ગ પરથી જયારે ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે ધોવાઈ ગયેલો રસ્તો બેસી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો રસ્તો વધુ ધોવાશે તો વાહનચાલકો માટે જોખમ ઉભું થઈ શકે છે. આ અંગે પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળથી મુલાકાત લે, ધોવાઈ ગયેલ રસ્તા પર માટીનુ પુરાણ કરે અને પ્રોટેકશન દિવાલ બનાવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.