
પંચમહાલ જિલ્લાની સોૈથી મોટી ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ગોધરા નગરપાલિકા દ્વારા આપવામાં આવતો પાણીનો પુરવઠો અનિયમિત બનતા સિવિલ હોસ્પિટલના અનેક મહત્વના વિભાગોમાં પાણી વગર દેકારો બોલી ગયો છે. આ કટોકટીની સોૈથી માઠી અસર હોસ્પિટલના અતિ મહત્વના એવા ડાયાલિસીસ વિભાગ પર પડી છે. ડાયાલિસીસ વિભાગમાં રોજબરોજ અંદાજે ૫૦ જેટલા ગંભીર દર્દીઓની ડાયાલિસીસની પ્રક્રિયા ચાલે છે. આ પ્રક્રિયા માટે વપરાતા મશીનોને સંપુર્ણ ફિલ્ટર (આર.ઓ.)પાણીની જર પડે છે. જેના માટે રોજના ૫ હજાર લીટર શુદ્ધ પાણીની જરિયાત હોય છે. છેલ્લા ત્રણ મહિનાથી પાણીની અછત હોવા છતાં સિવિલ તંત્ર માત્ર બહારથી ખાનગી ટેન્કરો મંગાવીને ગાડું ગબડાવી રહ્યુ છે. જે પુરતુ સાબિત થતુ નથી.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીની અછતને કારણે મહત્વના અનેક વિભાગોમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. પાછલા ધણા સમયથી આ સ્થિતિ ઉભી થવા પામેલ છે. વધુમાં ડાયાલિસીસ વિભાગની આસપાસ આવેલા શોૈચાલયોમાં પણ પાણી ન હોવાના કારણે દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા સગા-વ્હાલાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.