ખાનપુરના ડોલરીયા ગામે હનુમાનજીની મુર્તિ ખંડિત કરી દાનપેટીની ચોરી

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી ધાર્મિક લાગણી દુભાવનારી એક ધટના સામે આવી છે. ખાનપુર તાલુકાના ડોલરીયા ગામમાં આવેલ હનુમાનજી મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યુ છે. અસામાજિક તત્વો દ્વારા મંદિરની પવિત્ર મુર્તિને ખંડિત કરી દાનપેટીની ચોરી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખાનપુરના ડોલરીયા ગામની સીમમાં હનુમાનજીનુ મંદિર આવેલુ છે. અજ્ઞાત ચોરોએ ડોલરીયા ગામના હનુમાનજી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરમાં રાખેલી દાનપેટીની ચોરી કરવા સાથે ક્રુરતાપુર્વક હનુમાનજીની મુર્તિના ત્રણ ભાગ કરી તેને ખંડિત કરી નાંખી હતી. જયારે ગ્રામજનો મંદિર દર્શનાર્થે પહોંચ્યા ત્યારે આ સમગ્ર ધટના પ્રકાશમાં આવી હતી. મંદિરની તુટેલી મુર્તિ જોઈને ભકતો સ્તબ્ધ થઈ ગયા હતા. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં તોડફોડ અને ચોરીની ખબર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો મંદિર પરીસરે ઉમટી પડ્યા હતા. પવિત્ર મુર્તિ ખંડિત થવાના કારણે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા આ અંગે તાત્કાલિક બાકોર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ બાકોર પોલીસનો કાફલો ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હિન્દુ સમાજ દ્વારા આરોપીઓને વહેલી તકે પકડી પાડી કડક કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ કરી છે.