સીંગવડ તાલુકાના રેવન્યુ વિભાગની કામગીરી પંચાયતના તલાટીઓને સોંપાતા નવો વિવાદ સજાયો છે. તલાટીઓએ કામગીરીનો બહિષ્કાર કરતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
શાળા-કોલેજોમાં એડમીશનની સીઝન વચ્ચે જ જાતિના દાખલા, વારસાઈ અને પેઢીનામાં જેવી મહત્વની કામગીરી ખોરવાઈ ગઈ છે. ટીડીઓ મેહુલ ભગોરાએ જાહેર હિતમાં પંચાયત તલાટીઓને આ કામગીરી સોંપી હતી. જોકે તલાટી મંડળે તેનો સખ્ત વિરોધ કરીને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ આંતરિક વિવાદના કારણે જમીન અને વિવિધ પ્રમાણપત્રોના સરકારી કામો સંપુર્ણપણે અટકી ગયા છે. જેનાથી ગ્રામિણ વિસ્તારના અરજદારો આર્થિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં ધકકા ખાવા મજબુર બનેલા સ્થાનિકોએ આ ગંભીર મામલે રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક મધ્યસ્થી કરી યોગ્ય અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી છે.