પંચમહાલમાં ચાંદીપુરમ વાયરસના આતંકે બે માસુમોનો ભોગ લેતા જ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. છેલ્લા ૧૭ વર્ષથી આ ભયાનક વાયરસે ૩૪માંથી ૨૫ બાળકોનો ભોગ લીધો છે. છતાં સ્થાનિક જવાબદાર તંત્ર જયારે વાયરલ દેખાય છે ત્યારે દોડાદોડ કરે છે. અને સર્વેની કામગીરી હેઠળ દવાનો છંટકાવ કરીને કામગીરી પુર્ણ કર્યાનો સંતોષ માનતી હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
જો વૈશ્ર્વિક મહામારી કોરોનાની રસી ગણતરીના સમયમાં બની શકતી હોય તો આ વાયરસને કાયમી રીતે ડામવામાં કેમ આળસ થાય છે. ભયાનક વાયરસને ડામી દેવામાં આરોગ્ય તંત્ર દ્વારા એકશન પ્લાન કેમ બનાવવામાં આવતો નથી…?ના અનેક સવાલો ઉભા થયા છે.
પંચમહાલ જિલ્લમાં ૧૭ વર્ષમાં ૩૪ બાળકોને ચાંદીપુરમ વાયરસ પોઝીટીવ આવતા ૨૫ ના મોત થયા છે. ત્યારે ચાલુ વર્ષે ગોધરા તાલુકાના વિંઝોલ અને જીતપુરાના સરદારપુરા ફળિયામાં બે બાળકોને રાત્રે મગજનો તાવ અને ખેંચ આવતા તેઓને ગોધરા સિવિલમાં ખસેડાયા હતા. તેઓના લોહીના સેમ્પલ લઈને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડાયા હતા. બંને બાળકોના રિપોર્ટમાં ચાંદીપુરમ પોઝીટીવ આવ્યા હતા. જયારે સારવાર દરમિયાન બંને બાળકોના મોત નીપજયાં હતા. દર વર્ષે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળતા હોવા છતાં આરોગ્ય વિભાગ વાયરસને લઈને એકશન પ્લાન ન બનાવી શકતા ચાંદીપુરમ ફેલાઈ રહ્યો છે. પોંડીચેરીની એક હેલ્થ ટીમ અને પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ની નિષ્ણાંત ટીમ બે વર્ષથી ચાંદીપુરમ વાયરસના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેની તપાસ કરી રહી છે. પણ હજુ સુધી ચાંદીપુરમ વાયરસની નકકર માહિતી સુધી પહોંચી શકયા નથી.