શહેરા તાલુકામાં લગ્નસરાની મોસમ વચ્ચે પોલીસની લાલ આંખ : મર્યાદા બહાર ડીજે વગાડતા સંચાલકો સામે કડક કાર્યવાહી

શહેરા તાલુકામાં લગ્નસરાની સિઝન ખીલી છે, ત્યારે કેટલાક ડીજે સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટના નિયમો અને સરકારી જાહેરનામાના ઉલ્લંઘનની ફરિયાદો ઉઠી હતી. આ બાબતે પોલીસે કડક વલણ અપનાવી તાલુકાના બામરોલી ,સુરેલી અને પટીયા ગામોમાં લગ્ન પ્રસંગે નિયમ વિરૂદ્ધ વાગતા ડીજે સિસ્ટમો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. કાન ફાડી નાખે તેવા અવાજે ડીજે વગાડવામાં આવતા હોવાને લઈને એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ચૌહાણ અને તેમની ટીમે બામરોલી, પટિયા અને સુરેલી ગામોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આ ત્રણેય ગામોમાં લગ્ન પ્રસંગોમાં નિયત ડેસિબલ કરતા વધુ અવાજે ડીજે વાગી રહ્યા હોવાનું જણાયું હતું. પોલીસે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાતા લાખોની કિંમતની ડીજે સિસ્ટમ અને સ્પીકરો કબજે કર્યા હતા. આ સાથે જ જવાબદાર ડીજે સંચાલકો સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી માત્ર દેખાડો નહોતી, પરંતુ કાયદાના કડક અમલીકરણનો પુરાવો હતો. જપ્ત કરવામાં આવેલી ડીજે સિસ્ટમમાં હાઈ-વોલ્ટેજ એમ્પ્લીફાયર, બેઝ સ્પીકર્સ અને મિક્સર યુનિટ્સનો સમાવેશ થાય છે, આ સફળ કામગીરી બાદ એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ચૌહાણે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “અમારો હેતુ કોઈની ખુશીમાં ભંગ પાડવાનો નથી, પરંતુ બીજાની ખુશી કોઈ માટે તકલીફ ન બનવી જોઈએ. અવાજના પ્રદૂષણથી વૃદ્ધો, નાના બાળકો અને બીમાર દર્દીઓને ગંભીર અસર થાય છે. બામરોલી, પટિયા અને સુરેલીની આ કાર્યવાહી માત્ર શ‚આત છે. જો અન્ય ગામોમાં પણ આવી જ રીતે નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો પોલીસ જરાય ખચકાયા વિના ડીજે સિસ્ટમ જપ્ત કરશે.” પોલીસની આ કાર્યવાહીથી તાલુકાના ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટો ફફડાટ ફેલાયો છે.જોકે શહેરા પોલીસની આ ’લાલ આંખ’ એ વાતનો પુરાવો છે કે કાયદો સર્વોપરી છે. લગ્નસરાની આ સીઝનમાં લોકો આનંદ માણે તે જ‚રી છે, પણ તે આનંદ બીજા માટે આફત ન બનવો જોઈએ. પોલીસની આ ઝુંબેશ જો સતત ચાલતી રહેશે, તો ચોક્કસપણે અવાજના પ્રદૂષણ પર લગામ આવશે અને વહીવટી તંત્રના આદેશોનું સન્માન જળવાશે…