શહેરાના અણીયાદ ગામે ચાઈલ્ડ હેલ્પ લાઈન અને જીલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા

શહેરા તાલુકાના અણીયાદ ગામેથી એક પ્રેરણાદાયી અને સતર્કતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી સગીર વયના બાળકની જાન પ્રસ્થાનની ઘડીઓ ગણાઈ રહી હતી, બરાબર તે જ સમયે ચાઈલ્ડ હેલ્પ લાઇન અને જીલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ધામા નાખી કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું હતું. તપાસમાં વરરાજાની ઉંમર લગ્ન માટે નિર્ધારિત ૨૧ વર્ષના બદલે માત્ર ૧૬ વર્ષ ૧૧ મહિના માલૂમ પડતા, તંત્રએ તુરંત લગ્ન અટકાવી કિશોરનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હતું

શહેરા તાલુકાના અણીયાદ ગામમાં એક સગીર વયના બાળકના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરમાં મંડપ રોપાઈ ગયા હતા, ગીતો ગવાઈ રહ્યા હતા અને જાન પ્રસ્થાન કરવાની તૈયારીમાં જ હતી. આખું વાતાવરણ ઉત્સવમય હતું, પરંતુ આ ઉત્સવ કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો હતો.ચાઈલ્ડ હેલ્પલાઇન પંચમહાલને કોઈ અજ્ઞાત સ્ત્રોત દ્વારા માહિતી મળી કે અણીયાદ ગામે નિર્ધારિત વય કરતા ઓછી ઉંમરના બાળકના લગ્ન યોજાઈ રહ્યા છે. માહિતી મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું.માહિતી મળતા જ ચાઈલ્ડ હેલ્પલાઇન પંચમહાલ અને જીલ્લા બાળ સુરક્ષા એકમની એક સંયુક્ત ટીમ તત્કાલ અણીયાદ ગામે પહોંચી હતી. ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સૌપ્રથમ બાળકના પક્ષના લોકો સાથે શાંતિપૂર્વક વાતચીત શ‚ કરી અને બાળકની વય મર્યાદાના પુરાવા માંગ્યા હતા. તપાસ દરમિયાન જ્યારે બાળકના જન્મના દાખલા અને શાળાના પુરાવા જોવામાં આવ્યા. ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી બાળકની ઉંમર માત્ર ૧૬ વર્ષ અને ૧૧ મહિના હતી. કાયદા મુજબ, લગ્ન માટે યુવકની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ જેથી ટીમ દ્વારા બાળકનું અને તેના વાલીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.શ‚આતમાં પરિવાર થોડો અચકાયો હતો, પરંતુ ટીમે ખૂબ જ ધીરજ અને મક્કમતાથી કાયદાકીય ગૂંચવણો સમજાવી હતી. અંતે, બાળકના માતા-પિતાને પોતાની ભૂલ સમજાઈ હતી. તેમણે સ્વીકાર્યું કે, તેઓ અજાણતામાં પોતાના સંતાનનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા હતા. માતા-પિતાએ સ્વૈચ્છિક રીતે લગ્ન રોકવાનો નિર્ણય લીધો. અધિકારીઓ દ્વારા તેમની પાસેથી લેખિતમાં નિવેદન અને બાંહેધરી લેવામાં આવી કે જ્યાં સુધી બાળક કાયદેસરની ઉંમર (૨૧ વર્ષ) પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેના લગ્ન કરાવવામાં આવશે નહીં.આ ઘટના માત્ર એક લગ્ન અટકાવવાની વાત નથી, પરંતુ સમાજમાં ફેલાયેલા કુરિવાજો સામે કાયદાના વિજયની વાત છે. પંચમહાલ જીલ્લા બાળ સુરક્ષા એકમની આ કામગીરી અન્ય લોકો માટે પણ ચેતવણી સમાન છે.