શહેરામાં વરસાદી માહોલને લઈને ખેડૂતો ખુશખુશાલ થયા

શહેરામાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતા હાઇવે જળબંબોળ, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો.

શહેરામાં સોમવારની મધ્યરાત્રિએ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદના કારણે મોટી રાહત મળવા સાથે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.. મંગળવારે પણ દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો, જેના પગલે ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી.

શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહતનો અનુભવી હતી. સોમવારે મધ્યરાત્રિ એ વરસાદ વરસ્યા બાદ મંગળવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદની શ‚આત સાથે જ શહેરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. બીજી તરફ બે દિવસની ગરમી બાદ આવેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,કારણ કે ખેતીના પાકો માટે પણ આ વરસાદ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. તો મધ્ય રાત્રિ એ પડેલા વરસાદને કારણે નગર વિસ્તારમાં અણિયાદ ચોકડી પાસે પસાર થતા હાલોલ-શામળાજી મુખ્ય સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર અને નાના વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોને હાથેથી ઢસડીને વાહનો બહાર કાઢવાની ફરજ પડી હતી.,આમ ચોમાસાની શ‚આતમાં જ હાઇવે પર વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.