કાલોલ-હાલોલ વચ્ચે આવેલા મધવાસ પાટીયા પાસે આવેલા વચ્ચેના ડિવાઈડરના છેડા અસમાન રીતે અને ભયગ્રસ્ત ક્રોસ સ્પેસ આપી હોવાને કારણે વાહનચાલકો માટે જોખમી બન્યો છે.
હાલોલ-શામળાજી ટોલ હાઈવે સ્થિત કાલોલ-હાલોલ વચ્ચે આવેલા મધવાસ પાટીયા પાસે તંત્ર દ્વારા આપેલા વચ્ચેના ડિવાઈડરના કટમાં ક્રોસ આપવામાં આવ્યો છે. જેને કારણે ડિવાઈડર કટના બંને છેડા અસમાન હોવાથી પુરઝડપે પસાર થતાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે. હાલોલ-શામળાજી ટોલ હાઈવે હોવાના કારણે ૨૪ કલાક મોટી સંખ્યામાં વાહનોની અવર જવર દરમિયાન નાનકડી નજરચુક ભયજનક બની શકે છે. આ ભયજનક ડિવાઈડરના કટ હોવા છતાં તંત્રની ઉદાસીનતાએ કોઈ સાઈન બોર્ડ લગાવ્યુ નથી. જેના કારણે રાતના કોઈપણ પ્રકારના સાઈડ બોર્ડ વિના સીધી લેનમાં પસાર થતાં કે ઓવરટેક કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ બંને લેન તરફથી આવતા ચાલકોને રાત્રે તો સામેથી આવતા વાહનોના ડિપર ફોકસ લાઈટના કારણે ડિવાઈડરનો કટ પણ દેખાતો નથી. જેને કારણે યોગ્ય અંદાજ લગાવવો મુશ્કેલ પડે છે. ડિવાઈડર કટના સમાંતર છેડા નહિ હોવાના કારણે અજાણ્યા વાહનચાલકો માટે સ્થળ વધુ જોખમી અને ભયજનક બની રહ્યુ છે. ટોલ કંપની અને હાઈવે ઓથોરિટી દ્વારા મધવાસ પાટીયા પાસેના ડિવાઈડરનુ યોગ્ય નિરીક્ષણ કરી જરી સુધારા કરી સમાંતર કટ આપે તેમજ વાહનચાલકોને દુરથી જ રસ્તાની સ્થિતિનો ખ્યાલ આવે તે માટે યોગ્ય ચેતવણી બોર્ડ રાત્રિના સમયે દેખાય તેવા રિફલેકટર મુકાય તેવી માંગ ઉઠી છે.